તા.૩૧
ગુજરાત ફોરન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (જીએફએસયુ)ની ઈન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સ (આઈએફએસ) દ્વારા ચલાવવામાં આવી રહેલા એમ. ટેક સાયબર સિક્યુરિટી અને ઈન્સીડન્સ રિસ્પોન્સ કોર્સ માટે અંદાજિત ૩ લાખ જેટલી ફી નિયમ વિરૂદ્ધ ઉઘરાવવામાં આવી રહી હોવા બાબત અને આટ આટલી મસમોટી ફી ઉઘરાવાતી હોવા છતાં પણ પૂરતા અને લાયકાત ધરાવતા ફેકલ્ટી ન હોવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જેની સુનાવણી આવતીકાલે ગુરૂવારના રોજ યોજાનાર છે જે બાદ ચુકાદો આવવાની શક્યતા છે.
આ વિશેની વિગત એવી છે કે, આઈએફએસ દ્વારા ચલાવવામાં આવી રહેલા એમ.ટેક કોર્સ માટે એક જ રેગ્યુલર ફેકલ્ટી હોવાથી અને ફી પણ એફઆરસી (ફી રેગ્યુલેટરી કમિટી) પાસે નક્કી કરાવ્યા વિના જ મનઘડત રીતે વસૂલતી હોવાથી વિદ્યાર્થીઓએ આ બાબતને હાઈકોર્ટમાં જાન્યુઆરી-ર૦૧૭માં પડકારી હતી. ત્યારબાદ સમયાંતરે રાજ્ય સરકારનું ગૃહવિભાગ પણ આ કેસનું એક પક્ષકાર બન્યું હતું. જેના દ્વારા હાઈકોર્ટમાં જવાબ ફાઈલ કરી રજૂઆત કરવામાં આવી હતી કે, તા.૪/૧૦/ર૦૧૭ના રોજ ગૃહવિભાગે એક ઠરાવ બહાર પાડી અને યુનિવર્સિટીને એફઆરસી પાસે ફી નક્કી કરાવવામાંથી મુક્તિ આપી છે અને એવું કારણ આપવામાં આવ્યું કે, યુનિવર્સિટીને સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ યુનિવર્સિટી ગ્રાન્ટ ઈન એઈડ પ્રકારની સંસ્થા હોવાથી આવી સંસ્થાઓની ફી સરકાર દ્વારા નક્કી કરવાની થાય છે અને માટે જ યુનિવર્સિટીને પોતાના કાયદા મુજબ ફી નક્કી કરવાની સત્તા ધરાવે છે. વધુમાં ગૃહવિભાગે જણાવ્યું કે, યુનિવર્સિટીએ પત્ર લખી અને પાંચ ફેકલ્ટી હોવાનું જણાવ્યું છે. આમ આવા બધા અનેક કારણોથી વિદ્યાર્થીઓની પિટિશન ટકવાપાત્ર નથી.
યુનિવર્સિટી અને આઈએફએસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો હતો. જેથી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં આટ આટલા પુરાવા રજૂ કરવા છતાં પણ ગૃહ વિભાગ યુનિવર્સિટીને છાવરી રહી છે. ગૃહવિભાગને આવો ઠરાવ બહાર પાડવાની કોઈ સત્તા જ નથી. વળી તા.ર૦ ફેબ્રુઆરી ર૦૧૭ના રોજ એફઆરસી દ્વારા યુનિવર્સિટીને એક પત્ર લખી અને આઈએફએસ દ્વારા ચલાવવામાં આવી રહેલા કોર્સની ફી એફઆરસી દ્વારા નક્કી કરવાની થાય છે. આ બાબતની જાણ કરી હતી જે બાબત સરકાર અને યુનિવર્સિટી છુપાવી રહી હતી અને એફઆરસી દ્વારા જે આ સ્ટેન્ડ લેવામાં આવ્યું તેના કારણે જ ગૃહવિભાગે આવો ઠરાવ બહાર પાડી દીધો, પણ આવો ઠરાવ કાયદાથી વિરૂદ્ધનો અને પહેલેથી જ ગેરકાનૂની છે. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રોફેશનલ કોર્સની ફી બે રીતથી નક્કી થઈ શકે છે જેમાં કોર્સ સરકારી કે ગ્રાન્ટ ઈન એઈડ ધોરણે ચાલતો હોય તો સમગ્ર વિદ્યાર્થીઓના એમ. ટેક કોર્સની ફી વાર્ષિક રૂા. ૧પ૦૦ જ હોવી જોઈએ. કારણ કે રાજ્યમાં સરકારી કે ગ્રાન્ટ ઈન એઈડ ધોરણે ચાલતા દરેક એમ.ઈ./એમ.ટેક કોર્સની ટ્યુશન ફી રૂા. ૧પ૦૦ જ છે.વળી યુનિવર્સિટીને ૧પ૦ કરોડ કરતા વધારે રકમની સરકાર તરફથી ગ્રાન્ટ મળી છે ત્યારે અમારી ફી પણ રૂા. ૧પ૦૦ જ હોવી જોઈએ અને જો કોર્સ સ્વનિર્ભર ધોરણે (જીઈન્હ્લ હ્લૈંદ્ગછદ્ગઝ્રઈ) મોડેલથી ચાલતો હોય તો એફઆરસી પાસે જ કોર્સની ફી નક્કી કરાવવી જોઈએ, તથા વિદ્યાર્થીઓએ ફેકલ્ટી બાબતે પણ હાઈકોર્ટનું ધ્યાન દોર્યું કે એમ.ટેકના કોર્સમાં પાંચ ફેકલ્ટી હોવાની વાત ખોટી છે. કારણ કે પહેલાં એક જ રેગ્યુલર ફેકલ્ટી હતા અને વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી અને કોર્ટે યુનિવર્સિટી સહિતના પક્ષકારોને નોટિસ કાઢી ત્યારબાદ તાબડતોડ ધોરણે બે ફેકલ્ટી ભરી લીધા. આમ ટોટલ ત્રણ જ ફેકલ્ટી છે. જ્યારે અન્ય બે ફેકલ્ટી બતાવવામાં આવી રહ્યા છે તે યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવી રહેલા બીજા કોર્સના છે વળી નિયમ મુજબ તો બીજા કોર્સના આ ફેકલ્ટી તો એમ.ટેકના કોર્સ માટે પણ લાયક ઠરતા નથી. આવી સઘળી રજૂઆતો વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. હવે આ કેસની આગામી સુનાવણી આવતીકાલે ગુરૂવારના રોજ મુકરર કરેલ છે. આમ તો નામદાર કોર્ટે આ મેટર તા.૩૦ જાન્યુઆરી, ર૦૧૮ના રોજ ર.૩૦ કલાકે સુનાવણી માટે ફિક્સ કરી હતી પણ યુનિવર્સિટીના વકીલ રજા ઉપર ઉતરી જતા સુનાવણી તા.૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે અને આ કેસનો યોગ્ય નિકાલ થશે તેવી આશા વિદ્યાર્થીઓ સેવી રહ્યા છે.