(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
સુપ્રીમ કોર્ટે એસસી, એસ.ટી. કાયદાનો જે ચુકાદો આપ્યો છે તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેના વિરોધમાં દલિતોના સંગઠને ભારત બંધનું એલાન આપ્યું હતું બંધના એલાન સંદર્ભે ગુજરાતમાં સવારથી જ દહેશતનો માહોલ હતો. ઠેર-ઠેર ચક્કાજામ, પથ્થરમારો, સરકારી વાહનોમાં તોડફોડ, આગચંપીની ઘટના અને પોલીસ પર હુમલાની ઘટના, ટ્રેનો રોકવાની ઘટના વચ્ચે હિંસક પ્રદર્શન કર્યું હતું. કયાંક પોલીસને લાઠીચાાર્જ કરવાની કે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. અમદાવાદમાં બંધની અસર સૌથી હિંસક રહી હતી. ખાસ કરીને દાણીલીમડા, સારંગપુર, કાલુપુર, શાહપુર, સરસપુર, મકરબા, પાલડી, ચાંદખેડા, દરિયાપુર, કાંકરિયા, ખોખરા, અમરાઈવાડી, આંબાવાડી સહિતના વિસ્તારોમાં દલિત આંદોલનની અસર સૌથી વધુ જોવા મળી હતી. બીઆરટીએસ અને એએમટીએસ બસોને રોકી તોડફોડ કરી અટકાવાઈ હતી. પરિણામે બસના રૂટ ડાયવર્ટ કરવાની કે કયાંક બંધ કરવની ફરજ પડી હતી. ટોળા દ્વારા ઠેર-ઠેર ચક્કાજામ રસ્તા પર ટાયરો સળગાવી દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કેટલાક વિસ્તારોમાં ટોળા દુકાનો બંધ કરાવવા વધારે હિંસક બનતા દહેશતને લીધે વેપારીઓએ દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. અમરાઈવાડી, સીટીએમ, જશોદાનગર, પુનિતનગર પાસે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરાતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ગાંધીનગરમાં પથિકાશ્રમ પાસે દલિતોના ટોળાઓએ ઉમટી પડી દેખાવો કરતા ચક્કાજામ થઈ ગયો હતો. આથી વાહન વ્યવહાર બંધ થઈ જતાં પોલીસે આવી વાહનવ્યવહાર ચાલુ કરાવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં દલિત સંગઠનો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં ટેક્ષટાઈલ માર્કેટ બંધ કરાવવા આવતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ પોલીસે ૭૦થી વધુ લોકોની અટકાયત કરી હતી. નવસારી જિલ્લામાં પણ દલિતોના ટોળાઓ ઠેર-ઠેર રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી દીધો હતો. એજ રીતે બારડોલી રાજમાર્ગ ખાતે દુકાનો બંધ કરાવવામાં આવી હતી. વડોદરામાં કોઠી ચાર રસ્તા પાસે દલિતોના ટોળા રસ્તા પર બેસી ગયા હતા અને ચક્કાજામ કરી દીધો હતો. સફાઈ કામદારોએ રસ્તાઓ પર કચરાની લારીઓ ઊંધી કરી રસ્તો જ બ્લોક કરી દીધો હતો. ઉપરાંત રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી ગુડઝ ટ્રેનને રોકી હતી પરિણામે ટ્રેન અડધો કલાક જેટલી મોડી પડી હતી.
રાજકોટમાં બંધના એલાનને પગલે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ બંધ કરાવવામાાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે દોડી આવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એ જ રીતે જામનગરમાં દલિત યુવાનો દ્વારા સમર્પણ સર્કલ પાસે અને દિગ્જામ ફાટક પાસે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરી દીધો હતો. ત્યારબાદ દલિત યુવાનોનું ટોળું દુકાનો બંધ કરાવવા નીકળતા ક્ષણિક તંગદિલી વ્યાપી ગઈ હતી. બોટાદ જિલ્લાના કારિયાની ગામે દલિતોએ રસ્તા પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. બોટાદમાં ટ્રેન રોકવામાં આવી હતી. જ્યારે ભાવનગરમાં ભાવનગર-સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેન રોકવામાં આવતા ગભરાયેલા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. પોરબંદરમાં પણ દલિત સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરતાં એસ.ટી. સેવા બંધ કરવાની ફરજ પડી હતી. બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા. થરાદમાં દલિત સમાજે રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. પરિણામે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.
સુપ્રીમના ચુકાદાથી દલિતોને નુકસાન થશે : મેવાણી

દલિત યુવા નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સુપ્રીમકોર્ટના ચુદાદાથી દલિતોના હિતને ગંભીર નુકસાન થશે તેવી દહેશત વ્યકત કરતાં જણાવ્યું હતું કે, દલિત વિરોધી કાયદાને અમલમાં લાવવાથી દલિતોને નુકસાન જવાનો ભય છે. તેથી સરકાર જો પોતાનો પક્ષ દલિતોના સમર્થનમાં અદાલતમાં રજૂ નહીં કરે તો તા.૧૪ એપ્રિલના રોજ ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિના દિવસે બીજેપીના એકપણ નેતાને બાબા સાહેબની પ્રતિમાને અડવા નહીં દઇએ તેવી ચીમકી જીજ્ઞેશ મેવાણીએ આપી હતી. મેવાણીની ચીમકીને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું કારણ કે, દલિતોના આજના ભારતબંધ એલાન અને સરકાર સામેના વિરોધને કોંગ્રેસે પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
સુરતમાં દલિતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

સુરતમાં આજે બપોરે ટેક્ષ્ટાઇલ માર્કેટ બંધ કરાવવા નીકળેલા દલિત સમાજના લોકોને પોલીસે કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એક તબક્કે દલિત સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. પોલીસને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે દલિતો પર લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી. ભારે જહેમત બાદ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને ૨૦ જેટલા દલિત આગેવાનોની અટકાયત કરી હતી. સુરતના ઓલપાડ અને કાપોદાર હાઇવે પર પણ દલિતોએ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો, જેને લઇ પરિવહન સેવાને અસર થઇ હતી. રાજકોટમાં કોઠારિયા રોડ પર દેવપરા પાસે પીડીએમ કોલેજ પાસે સીટી બસને નિશાન બનાવી તોડફોડ કરાઇ હતી, જેને લઇ વાતાવરણ તંગ બની ગયું હતું.
હિંસાને પગલે રાજ્યમાં પરિવહન સેવા ખોરવાઇ

દલિત સમાજના આજના બંધના એલાનને પગલે આજે અમદાવાદ શહેર સહિત રાજયમાં અમુક વિસ્તારોમાં ખાસ રૂટોની એએમટીએસ અને એસટી બસની પરિવહન સેવા ખોરવાઇ હતી. સાથે સાથે ખાનગી લક્ઝરી બસ અને વાહનોની પરિવહન સેવા પણ ખોરવાઇ ગઇ હતી. જેને પગલે હજારો મુસાફરો રસ્તામાં રઝળી પડયા હતા. પરિવહન સેવા ખોરવાતા લોકોના શીડ્યુલ બગડી ગયા હતા તો, મહિલાઓ અને બાળકોની હાલત સૌથી કફોડી બની રહી હતી. દલિત સમાજ દ્વારા હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં લઇ એસટી તંત્ર દ્વારા અમદાવાદ-ધોળકા, પોરબંદર-રાણાવાવ, થરાદ-ધાનેરા સહિતના કેટલાય રૂટ પરની એસટી બસ સેવા રદ કરી દેવાઇ હતી. ગાંધીનગર સહિતના કેટલાય એસ.ટી બસ ડેપો બંધ કરી દેવાયા હતા.