અમદાવાદ, તા. ૧૮
કોરોનાના વધતા કેસ અને વિદ્યાર્થીઓની સલામતી માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક સમયથી NSUI અને ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીની ૨ જુલાઈ અને ૧૩ જુલાઈથી શરૂ થતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે તે માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આખરે ગુજરાત યુનિવર્સિટી તંત્રએ આજે બેઠક યોજી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. ૨ જુલાઈ અને ૧૩ જુલાઈથી શરૂ થનારી પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મેડિકલ અને પેરામેડિકલ સિવાયની તમામ પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે. તો બીજી તરફ, જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીની પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. NSUI અને યૂથ કોંગ્રેસની રજૂઆતને આખરે સફળતા મળી છે. તેથી કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી.