(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત એલએલબીના પાંચ વર્ષના કોર્સના છેલ્લા અને દસમા સેમેસ્ટરની પરીક્ષા બીજી અને ૧૭ જુલાઈ એમ બે તબક્કામાં લેવાની હતી જેની સામે પાંચ વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચ વર્ષના એલએલબીના કોર્સમાં છેલ્લા અને દસમાં સેમેસ્ટરની ફિઝિકલ પરીક્ષાનું જે આયોજન કરાયું છે, તેને હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે. હાલ રાજ્યભરમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો ફિઝિકલ પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થીઓએ આ માટે પરીક્ષા કેન્દ્ર પર આવવું પડશે જેના લીધે તેમના પર કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો વધી જશે. અરજદારના વકીલની એક પણ રજૂઆત હતી કે તેમને પ્રમોશનથી પાસ કરો અથવા તો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે. મહત્ત્વનું છે કે, ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાની સ્થિતિને અનુલક્ષીને તેમના વિવિધ કોર્સની પરીક્ષાનું નિર્ધારિત ટાઈમટેબલ હાલ થોડા સમય માટે મોકૂફ રાખવાનો નિર્ણય કરેલો છે.