અમદાવાદ, તા.૧૦
ગુજરાત વિધાનસભાનું ગઠન કરવા અને તાત્કાલિક વિધાનસભાના પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવા પીયુસીએલના મહામંત્રી ગૌતમ ઠાકરે રાજ્યપાલ ઓ.પી.કોહલીને પત્ર લખીને રજૂઆત કરી છે. રાજ્યપાલને લખેલા પત્રમાં ગૌતમ ઠાકરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તા.૧૮મી ડિસેમ્બર, ર૦૧૭ના રોજ ૧૪મી વિધાનસભાના પરિણામો ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવાની સાથે જ ૧૩મી ગુજરાત વિધાનસભા પૂર્ણ થઈ ગયેલ જાહેર થઈ જાય છે. આજે ૩ સપ્તાહથી વધારે સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં નવનિર્વાચિત વિધાન સભ્યોની શપથવિધિ કયારે થશે ? તેની તારીખ નક્કી કરી શકાય નથી. વિધાનસભાનું વ્યાવહારીક રીતે અસ્તિત્વ નથી. માત્ર મંત્રીમંડળથી ગુજરાતની સરકાર ચાલે છે. વિધાનસભાના મુખ્ય દંડકની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ચોવીસ જેટલા દિવસો પસાર થયા પછી પણ ગુજરાત સરકારે તેના નવનિયુક્ત ધારાસભ્યોને શપથ નથી લેવડાવ્યા. મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળની પણ ધારાસભ્યો તરીકેની શપથવિધિ બાકી છે. ગુજરાતની સરકાર કેમ મંદગતિએ ચાલી રહી છે, કયા પ્રકારની કટોકટી જેવી સ્થિતિ છે કે, ધારાસભ્યોની શપથવિધિ થઈ રહી નથી. ધારાસભ્યો પોતાના હિસ્સાના કામ કરી શકતા નથી. એક-એક સેકન્ડ પ્રજાલક્ષી કામો કરવા માટે મહત્ત્વની હોય છે. પ્રજાના પૈસે ચૂંટાયેલા આ ધારાસભ્યોને અને ગુજરાતની પ્રજાને કેમ તેમના હક્કોથી વંચિત રાખી દેવામાં આવ્યા છે ? મત વિસ્તારને તથા સરકારી યોજના અંગે જાણકારી કે સવાલો ધારાસભ્યો નિર્વાચિત થયા ના હોવાથી પૂછી શકતા નથી. અમારી માગણી છે કે, પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરીને શપથવિધિ કરાવવી જોઈએ અને ૧૪મી વિધાનસભાના ધારાસભ્યોનું ગઠન કરવું જોઈએ. એમ પીયુસીએલના મહામંત્રી ગૌતમ ઠાકરે જણાવ્યું હતું.