ગાંધીનગર, તા.૨૭
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, શહેરો-નગરોના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે ર વર્ષમાં ૨૦૦ ટી.પી. સ્કિમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાકિય ક્ષેત્રના વિકાસ માટે ચાલું વર્ષે જ ૧૦૦ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી કહ્યું કે, રાજ્યમાં મંજૂર કરવામાં આવેલી ૨૦૦ ટીપી અને ૧૨ ડીપી સ્કિમ સંપૂર્ણ પારદર્શિકતાથી અમલમાં મૂકાઇ છે. જેને કારણે અમદાવાદ અને સુરત જેવા શહેરો વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા શહેરો તરીકે ઉભરી આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, શહેરી ક્ષેત્રના વિકાસ માટે ટીપી સ્કિમની મંજૂરી સહિતના જે પગલાંઓ લેવામાં આવ્યા છે તેનાથી ગુજરાતની કન્સ્ટ્રકશન એક્ટિવિટીને બુસ્ટ મળશે. તેમણે એમ પણ જણાવ્યું કે, શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વિકાસની ૨૦-૨૦ જેવી ઝડપથી ગુજરાતને આજે દેશના વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. મુખ્યમંત્રી કહ્યું કે, રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગની વિશેષ ચિંતા કરીને લો કોસ્ટ હાઉસિંગની વ્યવસ્થા અને તેના માટેની પોલીસી અમલી બનાવી, જ્યાં પણ ઝુપડપટ્ટીઓ છે ત્યાં નવા મકાનો અને ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ અનેક મકાનો બનાવી સંપૂર્ણ પારદર્શકતાથી હાથોહાથ ઘરની ચાવી લાભાર્થીઓને આપી છે. તેમણે કહ્યું કે, આપણે ત્યાં બાંધકામ ક્ષેત્રમાં રોજગારીની વ્યાપક તકો રહેલી છે. આ રોજગારીને પરિણામે અર્થતંત્રને પણ ગતિ મળશે, જેનાથી ગુજરાતની અર્થવ્યવસ્થા વધુ મજબુત બનશે.
ગુજરાત સમગ્ર દેશમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ગ્રોથ એન્જિન બન્યું છે : મુખ્યમંત્રી

Recent Comments