(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૬
ગુજરાત સરકારનું નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટેનું અંદાજપત્ર (બજેટ) આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં રજૂ કરી ગુજરાતને ઉત્તમ તરફથી સર્વોત્તમ તરફ લઈ જવાનો સરકારનો ધ્યેય દર્શાવ્યો હતો. રૂા.ર,૧૭,ર૮૭ કરોડનું સરકારનું પુરાંત દર્શાવતું આ બજેટ કેટલીક નવી યોજનાઓની જાહેરાત સાથે ખેડૂતો અને મોલ સહિતના વ્યાપાર સંસ્થાનો તથા ધાર્મિક સ્થળોને વીજ કરમાં રાહત આપવાની જાહેરાત સાથે રજૂ કરાયું છે. જો કે, બહુ મોટી યોજના કે ખાસ આકર્ષણો વિનાનું એક રીતે કહીએ તો એવરેજ બજેટ કહી શકાય. જો કે, નાણામંત્રીએ આ બજેટને રાજ્યના તમામ વર્ગોને સમાવી લેતું સમતુલીત વિકાસ માટેનું ગણાવતા પોતાના દ્વારા આ આઠમું બજેટ રજૂ થયું હોવાનું જણાવ્યું હતું.
સરકારના આ બજેટમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારની સ્ટાઈલ મુજબ સ્કૂલ ઓફ એકસલન્સ યોજના સહિતની જાહેરાતો કરવા ઉપરાંત શ્રમિકો માટે મુસાફરી સહાય, ખેડૂતો માટે વીજ પુરવઠાની દીનકર યોજના, કિસાન પરિવહન યોજના, મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના સહિતની વિવિધ યોજનાઓ જાહેર કરી છે તો રૂા.૩૩૦ કરોડની વીજ કર રાહતો બજેટમાં આપી છે. જો કે, આ રાહતો આપવામાં નાણાંમંત્રી ઘરેલુ વીજ વપરાશકારો એવી સામાન્ય પ્રજાને કોઈ રાહત આપી શકયા નથી પરંતુ વેપારી વર્ગ, ખેડૂતો, ધાર્મિક સંસ્થાઓ, ધર્મશાળાઓ વગેરે માટે વીજ કરમાં રાહતો જાહેર કરી આ તમામ વર્ગને ખુશ કરવા પ્રયાસ કર્યો છે.
આજથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧નું રૂ. ૨,૧૭,૨૮૭ કરોડનું બજેટ રજૂ કર્યું હતુ. જેમાં પોલીસ સહિત અન્ય વિભાગોમાં ૧૧ હજારની નવી ભરતી, ખેડૂતો- પશુપાલકો-ગરીબો સહિત સમાજના તમામ વર્ગો માટે સમતુલિત વિકાસ માટે નાણાંકિય ફાળવણી કરીને. ખેડૂતો અને પશુપાલકો માટે નવી સહાય યોજના સહિત મધ્યમ વર્ગને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખુશ કરવાનો પ્રયાસરૂપે પ્રત્યેક પરિવારને ૧૨ કિલો તૂવેર દાળ આપવાની નવી જાહેરાત કરી હતી. ગૌ પ્રેમી સરકારે ગાય ગામડુ અને ગોડાઉન પર ભાર મૂકીને, પ્રાથમિક શાળામાં ૭ હજાર નવા ઓરડાઓ બનાવવા ૬૫૦ કરોડની ફાળવણી સહિત,શિક્ષણ માટે ૩૧ હજાર કરોડ, સૌની યોજના માટે ૧૭૧૦ કરોડ,નિરાધાર વૃદ્ધના પેન્શનમાં રૂ.૨૫૦નો વધારો સહિત નવી અનેક યોજનાઓનો પટારો ખોલીને નવી જાહેરાતો કરવામાં આવી છે. રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૭૫ વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. ૭૫૦ને બદલે રૂ.૧૦૦૦ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે ૮૦ ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.૬૦૦ની જગ્યાએ રૂ.૧૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.૧૫૦૦થી વધારી રૂ. ૨૧૬૦ કરવામાં આવશે. સરકારે રજૂ કરેલા બજેટમાં ખેડૂતોને અને પશુપાલકોને મહત્તમ ફાયદો કરાવવાનો પ્રયાસ થયો છે. જેમાં કેન્દ્રએ પાક વીમો મરજિયાત કર્યા બાદ હવે જો કોઇ ખેડૂત પાક વીમો લેવા ઇચ્છતો હશે તો, તેમને એ પાક વીમાનું પ્રીમીયમ રાજય સરકાર તરફથી ભરવા માટે રૂ.૧૧૯૦ કરોડની ફાળવણી કરાઇ છે. સાથે સાથે ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન, ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકટર બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦ હજારની સહાય અપાશે. જે માટે એનએ લેવાની પણ જરૂર રહેશે નહી. આ માટે સરકારે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરી છે. ગુજરાત સરકારના આગામી વર્ષના બજેટમાં તથા ચાલુ વર્ષના અંદાજ, સુધારેલા અંદાજ તેમજ ગત વર્ષના બજેટની વિગતો જોઈએ તો બજેટના લેખાં-જોખાંના અંતે પુરાંતનો અંદાજ સતત ઊંચો આંકવામાં આવતો હોવાનું માલૂમ પડે છે જે ખરેખર નાણાંકીય વર્ષના અંતે બહુ જ તફાવતમાં પરિણમે છે. વર્ષ ર૦૧૮-૧૯માં રૂા.૧૩૭૪.૧૮ કરોડની પુરાંત રહેવાના સુધારેલા અંદાજ સામે વર્ષાંતે માત્ર રૂા.૩પપ કરોડની પુરાંત રહી હતી. એ જ રીતે ર૦૧૯-ર૦ના બજેટમાં પ્રારંભમાં રૂા.ર૮પ.૧ર કરોડનો પુરાંતનો અંદાજ હતો તેમાં વર્ષના અંતે સુધારેલા અંદાજ પ્રમાણે રૂા.પ૩૮૮.પર કરોડ પુરાંત રહેશે તેવી ધારણાં રમાઈ છે જ્યારે વર્ષ ર૦ર૦-ર૧ના અંદાજમાં રૂા.૬૦પ.૪૩ કરોડની પુરાંત દર્શાવાઈ છે જેમાં સરકારે રૂા.૩૩૦.૧૬ કરોડની રાહતો જાહેર કરતાં એકંદરે અંદાજિત પુરાંત રૂા.ર૭પ.ર૭ કરોડ રહેશે તેવો અંદાજ મૂકાયો છે.