(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચારની બદીને દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સરકારી અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી તેમની મિલકતો અંગેની વિગતો માંગવાની હોય છે પરંતુ સરકારના આ ફરમાનને ઘોળીને પી જતાં કર્મચારીઓ સામે હમણાં સુધી આંખ આડા કાન કરનાર સરકારે હવે કડક અભિગમ અપનાવ્યું છે. આ વખતે આ પ્રમાણે મિલકતો જાહેર નહીં કરનાર સરકારના આશરે ૩૦૦૦ જેટલા અધિકારી/કર્મચારીઓનો પગાર સરકાર દ્વારા અટકાવી દેવાતા કર્મચારી વર્તુળો ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતના ઈતિહાસમાં સરકારી કર્મચારીઓનો પગાર અટકાવવાની પ્રથમ ઘટના હોઈ ચર્ચા ઊભી થવા પામી છે. ગુજરાત સરકારના ક્લાસ વન અને ટુના અધિકારી/કર્મચારીઓ સામે સરકારે લાલ આંખ કરી એકશન લેતાં પગાર અટકી જવા પામ્યો છે. આ મુદ્દે રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંહે જણાવ્યું હતું કે, હવે તા.૩ એપ્રિલ-ર૦૧૮ સુધીમાં અધિકારીઓ મિલકતોની વિગતો જાહેર કરી દેશે તો તેમનો આ બાકી પગાર ચાલુ મહિનાના પગાર સાથે મે મહિનામાં ચૂકવી દેવામાં આવશે.
ગુજરાત રાજ્યના સેવા નિયમો પ્રમાણે ગુજરાત સરકારના વર્ગ ૧ અને રના અધિકારીઓએ દર વર્ષે તેમની મિલકતની જાહેરાત કરવાની હોય છે. આ જાહેરાત જાન્યુઆરી અથવા માર્ચ મહિનાના અંત સુધીમાં કરી દેવાની હોય છે. આ સમયમર્યાદામાં તેની જાહેરાત નહીં કરનારા અધિકારીઓને સંબંધિત વિભાગો દ્વારા નોટિસ આપી તાકીદ કરવામાં આવી હતી. જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે, સ્થાવર અને જંગમ મિલકત જાહેર નહીં કરનાર અધિકારીઓનો પગાર અટકાવાશે, પરંતુ આ સૂચનાને ઘોળીને પી જનારા વર્ગ-૧ અને રના અધિકારીઓએ તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર નહીં કરતા આ અધિકારીઓનો પગાર અટકાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની જેમ જ ગુજરાત સરકારે પણ રાજ્યના વર્ગ-૧ અને વર્ગ-રના તમામ અધિકારીઓને સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવાનું ફરજિયાત કર્યું છે પણ, અત્યારસુધીના વર્ષોમાં ઘણા અધિકારીઓએ તેની જાહેરાત નહીં કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા, પરંતુ આ વખતે પ્રથમવાર રાજ્ય સરકારે આવા અધિકારીઓ પર તવાઈ લાવીને એપ્રિલ-ર૦૧૮નો પગાર અટકાવવાનો આદેશ કર્યો છે. જેમાં મહેસૂલ, શિક્ષણ, આરોગ્ય સહિત જુદા-જુદા વિભાગો અને પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ અધિકારીઓએ દર વર્ષે સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવા માટેનું નિયત ફોર્મ ભરી આવક અને જમીન સહિતની સ્થાવર અને જંગમ મિલતનો હિસાબ રજૂ કરવાનો હોય છે.
ગુજરાત સરકારે મિલકતો જાહેર ન કરનાર અધિકારીઓના પગાર અટકાવ્યા

Recent Comments