અમદાવાદ,તા.ર૦
લોકશાહી બચાવો અભિયાન દ્વારા યોજાયેલ ગોષ્ઠિમાં ગુજરાતમાં ર૦૧૮ના બજેટમાં રહેતી વિસંગતતાઓ ઉજાગર કરતા નિષ્ણાતોએ ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખોલી હતી. જયારે ગુજરાત સરકાર ખેડૂતો, પાણી, પર્યાવરણ, આરોગ્ય કે શિક્ષણ એમ એકેય બાબતે ગંભીર નથી ત્યારે ખાસ કરીને વિપક્ષ અને કર્મઠ કર્મશીલોએ મંથન કરવું જરૂરી બન્યું છે તેવા નિષ્કર્ષો આ ગોષ્ઠિમાં બહાર આવ્યા હતા. આ ગોષ્ઠિમાં જાણીતા અર્થશાસ્ત્રી ડો. રોહિતભાઈ શુકલએ ગુજરાતમાં બજેટમાં આવક અને દેવા અંગેની વાત રજૂ કરતા કહ્યું કે મહેસૂલી આવકમાં રૂા.પ૯૯૮ કરોડની પુરાંત દર્શાવાઈ છે પણ સરકારની જુદી જુદી નોકરીઓમાં જરૂરી ભરતી ટાળીને આ પુરાંત એકઠી કરવામાં આવી છે. સરકારે વિકાસ માટેની સેવાઓના ખર્ચમાં રૂા.ર૭૭.૯૮ કરોડનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો ઘણો મોટો કહેવાય. સરકાર, રોજના રૂા.૧૦૦ કરોડનું દેવું કરે છે અને રોજના રૂા. પપ કરોડના હિસાબે વ્યાજ ચૂકવે છે આ છે ગુજરાતના વિકાસની તાસીર ! અર્થશાસ્ત્રના પ્રો. હેમંતકુમાર શાહે બજેટ અને શિક્ષણ અંગે જણાવ્યું હતું કે સરકાર, સરેરાશ જી.ડી.પી.ના ર ટકા શિક્ષણ પાછળ ખર્ચે છે. ર૦૧૮-૧૯માં માત્ર ૧.૭પ ટકા ખર્ચ અંદાજાયેલો છે. નવા શિક્ષકોની ભરતી બંધ છે. એક જ શિક્ષક, વર્ગ ખંડમાં નહી પણ સભા ગૃહ જેવા હોલમાં જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓને પ્રવચન આપી ભણાવે છે. ડ્રોપ આઉટ દર પણ વધતો જાય છે. સરકાર, ખાનગીકરણને પ્રોત્સાહન આપી, શિક્ષણને મોંઘુ બનાવી રહી છે. જળ-વાયુ પરિવર્તન અને પર્યાવરણ અંગે જાણીતા પર્યાવરણવિદ મહેશ પંડયાએ કહ્યું કે કલાઈમેટ ચેન્જ માટે અલગ ખાતુ ફાળવ્યું છે પરંતુ સ્ટાફમાં ફકત ર કાયમી અને ૭ જણ ૧૧ મહિનાના કરારથી કામ કરે છે. પર્યાવરણ માટે રૂા.ર૦.૪૮ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ખર્ચ કયાં કરવાનો છે તેની વિગતો સ્પષ્ટ કરવામાં આવતી નથી. ગુજરાતમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતા નથી. રાજયની ૧પ૮ નગરપાલિકાઓ પાસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ નથી. આવી પરિસ્થિતિમાં નદી, નાળા, તળાવો, ભૂગર્ભ જળ પ્રદુષિત થયા છે. રાજકીય ઈચ્છા વૃત્તિના અભાવે પાણીનું મેનેજમેન્ટ બરાબર થતું નથી. પીયુસીએલના મહામંત્રી ગૌત્તમ ઠાકરે ગોષ્ઠિના અંતે કહ્યું કે બધા વકતવ્યો સાંભળ્યા પછી એમ લાગે છે કે ગુજરાત સરકાર ન ખેડૂતના પ્રશ્ને, ન પાણીના પ્રશ્ને, ન પર્યાવરણના પ્રશ્ને, ન આરોગ્ય કે શિક્ષણના પ્રશ્ને કે રાજયના વિકાસ પ્રત્યે કટિબધ્ધ છે સત્તા પક્ષ, વિપક્ષ અને કર્મઠ કર્મશીલોએ આ અંગે મંથન કરવાની જરૂર છે.