સુરત,તા.૨૦
ગુજરાતમાં સિંહોનું ગૌરવ લેવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં સિંહો કરતા પણ વધુ વસ્તી દીપડાઓની છે. પરંતુ દીપડાઓની સંખ્યા ઘટી રહી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની ઘટેલી સંખ્યા અંગે મોટુ પગલુ લેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં માઈક્રોચીપ ઈન્જેકટ કરવામાં આવશે. જેનાથી દીપડાઓની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં માંડ ૨૦૦ દીપડા બચ્યા છે. દીપડાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા દીપડાના શરીરમાં લાઈફ ટાઈમ રહે એવી ચિપ ઇન્જેક્ટ કરવામાં આવશે. સુરતના માંડવી, મહુવા અને માંગરોળ તાલુકામાં સૌથી વધુ દીપડા જોવા મળે છે. માનવભક્ષી દીપડાઓની શોધી કાઢવામાં પણ આ ચિપ મદદરૂપ બનશે. દીપડાઓ શિકાર અને અકુદરતી મોત મામલે પણ વનવિભાગ ચિપ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.
દીપડાનુ રક્ષણ કરવામાં વન વિભાગ દ્વારા જે પગલા લેવામાં આવ્યુ છે, જેનાથી દીપડાનું સંરક્ષણ થઈ શકશે. આ ચિપ દ્વારા દીપડાઓની ગતિવિધિ પર તો નજર રાખી શકાશે, પરંતુ તેમના કદ, વજન તથા હેલ્થ અંગે પણ સતત મોનટરિંગ કરાશે. દીપડાના શરીરમાં ૧૨ એમએમની રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ડિવાઈસ લગાવવામાં આવશે.