ગાંધીનગર, તા.૧૦
રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ અને તેની સાથે સંલગ્ન કોલેજોની શૈક્ષણિક, વહીવટી, નાણાકીય કામગીરીનું નિરીક્ષણ તેમજ તેના સર્વાંગી વિકાસના હેતુથી માર્ગદર્શન આપવા માટે રચાયેલી ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી તેમજ ઉપાધ્યક્ષ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી હોય છે. આ સુધારા વિધેયક દ્વારા સ્ટેટ કાઉન્સિલમાં સભ્ય સચિવ તરીકે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તેમજ એક્ઝયુકેટિવ કાઉન્સિલમાં સભ્ય સચિવ તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનરને સમાવવાથી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોના અમલીકરણમાં વધુ ઝડપ અને વહીવટી સરળતા આવશે તેમ, વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક-૨૦૧૯ રજૂ કરતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, કાઉન્સિલના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી હોવાથી આ કાઉન્સિલના સભ્ય સચિવ તરીકે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની નિમણૂક કરવાથી મીટિંગના આયોજન અને મીટિંગમાં લેવાયેલ નિર્ણયો અનુસાર રાજ્યમાં તેનું ઝડપી અને સફળતાપૂર્વક અમલીકરણ કરી શકાય તેવા હેતુથી રાજ્ય સરકારે આ વિધેયકમાં સુધારો કર્યો છે. આ ઉપરાંત આ કાઉન્સિલમાં સભ્ય સચિવ તરીકે રાજ્ય સરકારના પ્રતિનિધિની નિમણૂક કરવાથી સરકારના નિર્ણયો તેમજ શિક્ષણ વિભાગની નીતિઓ અનુસાર કાઉન્સિલ વધુ સરળતાથી કામગીરી કરી શકશે. આ બદલાવથી એકટના મૂળભૂત ઉદ્દેશ્યો, કાર્યોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના મૂળભૂત ઉદ્દેશ્યો જળવાઇ રહે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ સુધારાની અગત્યતા જણાવતાં કહ્યું કે, સોશિયલ મીડિયા/ડિજિટલ મીડિયામાં સરકારી માહિતીઓના ખોટા અર્થઘટન થાય તો તેવી માહિતી રોકવી જરૂરી છે, તેથી પણ કાઉન્સિલ/એક્ઝયુકેટિવ સમિતિમાં મેમ્બર સેક્રેટરીની જરૂરિયાત રહે છે. કોઇ સંજોગોમાં નાણાકીય વ્યય થતો હોય તો રોકી શકાય તેમજ એક્ઝયુકેટિવ સમિતિ તેની સત્તાઓ બહાર ન જાય તેવા ઉદ્દેશ્યો સાથે આ ફેરફાર કરવા જરૂરી છે.
મંત્રીએ ગૃહમાં માહિતી આપતાં કહ્યું હતું કે, રૂસા અને યુ.જી.સી.ની ગાઈડલાઈન અનુસાર રાજ્યના ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓ વચ્ચે સમન્વય અને સંતુલન માટે કાઉન્સિલની રચના કરવી ફરજિયાત હોવાથી રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૭થી ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. કાઉન્સિલનું માળખું બે સ્તરીય છે. જેમાં ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિકયુટીવ કમિટિનો સમાવેશ થાય છે. આ એક્ઝિકયુટીવ કમિટિમાં હવે સભ્ય સચિવ તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનરની નિમણૂંક કરવાથી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયેલ નિર્ણયોની માહિતી ત્વરીત મળી શકશે અને તેની ઉપર ઝડપથી કામગીરી પૂર્ણ થઇ શકશે તેમ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ પરિષદ સુધારા વિધેયક-૨૦૧૯ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.