અમદાવાદ, તા.૧૦
ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભાવનગર મદીનાબાગ નવાપરા ખાતે હજ તરબિયત કેમ્પ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન મોહંમદઅલી કાદરી સભ્યો, સૈયદ રફીકબાપુ લીમડાવાળા, યુનુસભાઈ મહેતર વિશેષ ઉપસ્થિત રહી દર વર્ષની માફક આ વર્ષે પણ હજયાત્રીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત રાજ્ય હજ કમિટી ચેરમેન મોહંમદ અલી કાદરીએ જણાવ્યું હતું કે ગુજરાત હજ કમિટી ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જેના પાયામાં ગુજરાત રાજ્યના ફિલ્ડટ્રેનરો અને સેવાભાવી ખિદમત ગુજારોનું બહુમૂલ્ય યોગદાન છે. ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભાવનગર ખિદમત કમિટીમાં વર્ષોથી સેવા આપતા હુસેનભાઈ મંત્રી અને ભાવનગરોના ફિલ્ડ ટ્રેનરોનું ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
હજ કમિટીના સક્રિય સભ્ય સૈયદ રફીકબાપુ લીમડાવાળાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં હજ કમિટીના ચેરમેન મોહંમદઅલી કાદરીના સફળ નેતૃત્વમાં ગુજરાત હજ કમિટીએ નવા સીમાચિહ્‌નો સ્થાપિત કર્યા છે, અને ભારતની કમિટીઓમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે.
યુનુસભાઈ મહેતરે જણાવ્યું કે ગુજરાત રાજ્ય હજ કમિટી હજયાત્રીઓને ખડેપગે સેવા કરવા માટે તત્પર છે અને હજયાત્રીઓને બનતી તમામ સુવિધા મળે એ માટે પ્રયત્નશીલ છે. ભાવનગર ખાતેની હજ તરબિયત કેમ્પને ભાવનગર હજ ખિદમત કમિટીએ સફળ બનાવી સૌરાષ્ટ્રમાંથી જતા ૧૪પ૦થી વધુ હજયાત્રીઓના ભાવનગર અને બોટાદના ૩ર૦ હાજીઓના માર્ગદર્શન માટે દિની તથા દુનિયાવી તાલીમ સહિત સુંદર ભોજન વ્યવસ્થા કરી હતી. તેમ ગુજરાત રાજ્ય હજ કમિટીમાં જણાવ્યું હતુંં.