૭૦મા બંધારણીય દિવસ નિમિત્તે ગુજરાત હાઈકોર્ટમાં ખાસ કાર્યક્રમ યોજાયો

૭૦માં બંધારણીય દિવસની ઉજવણી નિમિત્તે દેશભરની સાથે ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે રાજ્ય સરકાર અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બંધારણીય દિવસની ઉજવણીનો કાર્યક્રમ સોલા સ્થિત ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત વિવિધ કોર્ટના જજ અને વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુપ્રીમકોર્ટના સિનિયર એડવોકેટ અને છત્તીસગઢ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ યતિન્દ્રસિંઘે પ્રવચન આપ્યું હતું.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
બંધારણ દિવસની ગુજરાત હાઇકોર્ટમાં ઉજવણી કરાઈ હતી, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ વિજય રૂપાણી, રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ સહિત હાજર રહ્યા હતા. તમામ હાજર મહેમાનોને બંધારણનું પુસ્તક આપીને સન્માન કરાયું હતું. બંધારણ દિવસની ઉજવણીમાં હાઇકોર્ટના સિનિયર જજ સહિત સિનિયર વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા, ત્યારે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમમાં મહારાષ્ટ્રની સ્થિતિનો ઉલ્લેખ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે ઉલ્લેખ કર્યો હતો, ભૂતકાળમાં મહારાષ્ટ્ર જેવો અનુભવ ઉત્તરપ્રદેશમાં કર્યો છે. જજો માટે પણ આવી ઘટનાઓ અમારા માટે પણ યાદગારની સાથે એક પડકાર બનતી હોય છે, તો આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરતા ૨૬ નવે.ના આતંકી હુમલાને યાદ કરીને મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. બંધારણની વાતો સાથે તેમણે ભૂતકાળમાં જેલવાસ ભોગવેલા તેની યાદો જનતા સમક્ષ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક વર્ષ હું પણ જેલમાં ગયો હતો. બંધારણ શું છે જેની તમામ જાણકારી મને જેલમાં મળી હતી. બંધારણનો મેં મારા જેલમાં ગયા બાદ અભ્યાસ વધારે કર્યો હતો. તો ગવર્નર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, આમ તો સામાન્ય રીતે કોર્ટમાં ઘણા બધા કેસ ચાલે છે, ક્યારેક આરોપી કે, પીડિતને નહીં ખબર રહેતી કે, તે શા માટે જીત્યો છે અને શા માટે હાર્યો કારણ કે કોર્ટમાં ઈંગ્લીશ ભાષાનો ઉપયોગ થાય છે. તો મારી કોર્ટના જજ વકીલો સહિતને વિનંતી કરીશ કે માતૃભાષાનો ઉપયોગ કોર્ટમાં કરવામાં આવે તો પીડિત પરિવાર અને આરોપીઓને પણ કોર્ટમાં ખ્યાલ રહે. આમ આજે હાઇકોર્ટમાં બંધારણ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.