(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ્દ કરી છે, તો સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી છે જેથી સુપ્રીમ કોર્ટ તેને સાંભળ્યા વગર કોઈ સ્ટે કે ઓર્ડર ના કરે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરાયેલ હાઈકોર્ટમાં સ્ટેની માગણીનો હાઈકોર્ટે ઇન્કાર કરતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળકા વિધાનસભા સીટ પર કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડની પિટિશનનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણીને રદ્દ કરી નાખી છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, રિટર્નિંગ ઓફિસર એટલે કે, ધવલ જાની દ્વારા ભ્રષ્ટ આચરણ થયું છે અને મતગણતરીમાં પોસ્ટલ બેલેટ પેપરોની ગણતરી કરવામાં જાણી જોઈને ભૂલ કરવામાં આવી છે. અગત્યના પોસ્ટલ બેલેટ ગણવામાં ન આવ્યા. જે જીતનો ૩૨૫ મતોનો માર્જિન હતો તેના કરતાં વધુ પોસ્ટલ મતોની ગણતરી કરવામાં નહોતી આવી. જેની ચૂંટણી પરિણામ ઉપર સીધી અસર પડી હતી. ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ (દિશા-નિર્દેશો)નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા તેમના ઇલેક્શન એજન્ટ અને રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીના મેળાપીપણા ભ્રષ્ટ આચરણ આચરવામાં આવ્યું છે. કોર્ટે એ પણ નોંધ્યું છે કે, રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ જે ભ્રષ્ટ આચરણ આચર્યું એના પરિણામ સ્વરૂપે જ ધવલ જાની વિરૂદ્ધ ઇલેક્શન કમિશને રાજ્ય સરકારને ખાતાકીય તપાસ કરી મોટી દંડનીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હોવા છતાં કાર્યવાહી કરવાની જગ્યાએ તેને પ્રમોશન આપવામાં આવ્યું હતું, જે પાછળથી કોર્ટમાં આનો ઉલ્લેખ થતાં પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. કોર્ટે પોતાના આદેશમાં એ પણ નોંધ્યું છે કે, ઇલેક્શન કમિશનના ધવલ જાની વિરૂદ્ધ ખાતાકીય તપાસ કરી મોટી દંડનીય કાર્યવાહી કરવાના આદેશોનું હજુ સુધી પાલન કરવામાં આવ્યું નથી. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ આદેશ સામે સ્ટે આપવાની વિનંતી પણ હાઈકોર્ટે નકારી કાઢી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદા વિરૂદ્ધ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી છે, તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે પણ કેવિયેટ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશનમાં અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે બંને પક્ષકારો સમક્ષ એક્ઝિબીટ નંબરીંગની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ ધોળકા વિધાનસભા સીટ પર કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન અંતર્ગત તમામ પક્ષકારો તરફથી રજૂઆતો પૂર્ણ થઈ હતી, તમામ પક્ષે વિધિવત રીતે સુનાવણી પૂર્ણ જાહેર કરાઈ હતી. ઇલેક્શન પિટિશનમાં તમામ રેકોર્ડ, પુરાવા અને જુબાનીઓના એક્ઝિબીટ નંબર્સ અપાયા હતા, કુલ ૧૫૧ એક્ઝિબીટ છે. તમામ પક્ષોએ કોર્ટમાં પોતાની લેખિત દલીલો પણ રજૂ કરી દીધી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી તેમના વકીલ દ્વારા ફાઈનલ રજૂઆતોમાં મુખ્યત્વે ધવલ જાનીના ભ્રષ્ટ આચરણ ઉપર ઢાંકપિછોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે આર.ઓ. એટલે કે, ધવલ દ્વારા ભ્રષ્ટ આચરણ થયું છે કે, નહીં તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી તેમના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ધવલના કોઈપણ પ્રકારના આચરણથી ચૂંટણી પરિણામો પર અસર થઈ નથી. ધવલ દ્વારા કોઈપણ ભ્રષ્ટ આચરણ કરવામાં આવ્યું નથી ભૂપેન્દ્રસિંહ દ્વારા ક્યારેય આ પ્રકારના આચરણને સમર્થન આપવામાં આવ્યું નથી. ભૂપેન્દ્રસિંહના વકીલે અહીં સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીને સંબંધિત ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે પિટિશનરની જુબાની તથા રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની મતગણતરી કેન્દ્રમાં શંકાસ્પદ ભૂમિકા અને મોબાઈલના ઉપયોગ વિશેની જુબાની વંચાણે લેવાઈ હતી. ગત સુનાવણીમાં કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડ તરફથી તેમના વકીલની વિનંતીને ગ્રાહ્ય રાખી કોર્ટે મતગણતરી મથકના સી.સી.ટી.વી. ફૂટેજ કોર્ટમાં બતાવાયા હતા જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રાઈવેટ સેક્રેટરી મહેતાની શંકાસ્પદ હિલચાલ તથા મતગણતરી મથકમાં મોબાઈલ ફોનના ઉપયોગને ટાંકીને રજૂઆત કરવામાં આવી હતી કે, કોઈ પણ ઉમેદવાર કે ઉમેદવારના એજન્ટ કે કાર્યકર અથવા તેમના કર્મચારી દ્વારા ઉમેદવારની સંમતિથી અથવા ઉમેદવાર વતી અથવા ઉમેદવાર ઇશારે કોઈ પણ કરપ્ટ પ્રેક્ટિસ કરવામાં આવે અને તે પણ મતગણતરી મથકમાં તો તે સંપૂર્ણપણે કાયદાનું ઉલ્લંઘન છે અને ઉપરોક્ત સીસીટીવી ફૂટેજમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પર્સનલ સેક્રેટરી મહેતા શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળે છે. આ સાથે અરજદાર વતી તેમની રજૂઆતો પૂર્ણ કરાઈ હતી. તમામ પક્ષકારો દ્વારા ફાઈનલ રજૂઆતો પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૧૮ ડિસેમ્બરે ૨૦૧૮એ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ૩૨૭ મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણીપંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓબ્ઝર્વર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જો કે, આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૪૨૯ જેટલા બેલેટ પેપરો કે જેમાં મોટાભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણીપંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઈ છે, તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.