આ મામલે વધુ સુનાવણી ૧રમી જાન્યુઆરીએ હાથે ધરાશે

અમદાવાદ,તા.૭
રાજયમાં કોરોના કાળમાં અનેક યુનિવર્સિટીઓ દ્વારા વારંવાર પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જયારે ઓફ લાઈન અને ઓનલાઈન પરીક્ષાના વિકલ્પો પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવાની માગણી સાથે થયેલી પિટિશમાં આજે હાઇકોર્ટે યુનિવર્સિટીને સવાલ કર્યો હતો કે ઓફલાઇન પરીક્ષા લેવાની છે તો ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં યુનિવર્સિટીને શું વાંધો છે. યુનિવર્સિટીને સોગંદનામા પર રજૂઆત કરવાનો નિર્દેશ કરી વધુ સુનાવણી ૧૨મી જાન્યુઆરીના રોજ નિયત કરવામાં આવી છે. હાઇકોર્ટે આજે યુનિવર્સિટીને ટકોર કરી હતી કે ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરાયું છે તો ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં શું વાંધો છે. જેના જવાબમાં યુનિવર્સિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઓફલાઇન પરીક્ષા જ લેવામાં આવશે. રાજ્યની અન્ય યુનિવર્સિટીઓએ પણ ઓફલાઇન પરીક્ષા લીધી છે અને આ પરીક્ષાઓ સુરક્ષિત અને સફળ રહી છે. યુનિવર્સિટીને લેખિત જવાબ રજૂ કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટમાં જી.ટી.યુ.ના કેટલાંક વિદ્યાર્થીઓ દ્વારા પિટિશન કરી રજૂઆત કરવામાં આવી હતી કે કોરોનાની મહામારીના કારણે અન્ય ઘણી જાણીતી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી છે. જી.ટી.યુ. દ્વારા પણ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષઆ લેવામાં આવી હતી અને આ આયોજન સફળ રહ્યું હતું. જો કે હવે પછીની પરીક્ષાઓ ઓફલાઇન લેવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીના કારણે હાલ પૂરતો ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવો જોઇએ. યુનિવર્સિટી સંલગ્ન ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓ બહારના શહેરોમાંથી અભ્યાસ કરવા આવતા હોય છે. અત્યારે હોસ્ટેલ અને પી.જી. સહિતની વ્યવસ્થાઓ બંધ છે તેમજ કોરોનના કારણે મુસાફરી અંગેના પણ કેટલાંક બંધનો છે.