અમદાવાદ, તા.ર૯
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપતાં આજે રાજ્યના ફિક્સ પગારધારકો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા-નોકરી પર માઠી અસર જોવા મળી રહી છે અનેક લોકોને નોકરીમાંથી છૂટા કરવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે રાજ્યના ફિક્સ પગારધારકો માટે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે એ મુજબ ફિક્સ પગારધારકોને હવે ખાતાકીય તપાસ વગર છૂટા ન કરી શકાય હાઈકોર્ટના આ નિર્ણયથી અનેક ફિક્સ પગારધારકોને લાભ મળશે. રાજ્ય સરકારે કરેલી અપીલ ફગાવતા હાઈકોર્ટે કહ્યું કે, વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે છે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેને નોકરીમાંથી છૂટા કરવા તે કાયદાથી વિપરીત છે.
ગુજરાત રાજ્યમાં લાખો ફિક્સ પગારધારકો છે. જેમના હિતને અસર કરતો ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર માટે નિયમિત નિમણૂંક પર કામ કરતા હોય કે ફિક્સ પગારમાં કામ કરતા હોય તેવા કોઈપણ કર્મચારીને ખાતાકીય તપાસ કર્યા વિના છૂટા કરી શકાશે નહીં.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેમને નોકરીમાંથી દૂર કરવા તે કાયદાથી વિપરીત છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્યના લાખો કર્મચારીઓને ફાયદો થશે.
તેમના ફિક્સ પગારના સમયમાં જો કોઈ અડચણ આવે ત્યારે તેમને કોઈપણ તપાસ કર્યા વગર છૂટા કરી દેવામાં આવે છે. પરંતુ હાઈકોર્ટના નિર્ણય બાદ જો કોઈ ફિક્સ પગારના કર્મચારી સામે કોઈપણ વિવાદ હોય અથવા કોઈ બાબત બને તો તેની ાખતાકીય તપાસ ફરજિયાત કરવામાં આવશે. જ્યાં સુધી આ તપાસ ન થાય ત્યાં સુધી સરકાર કોઈ કર્મચારીને નોકરીમાંથી છૂટા કરી શકશે નહીં. હાઈકોર્ટના આ નિર્ણયથી ફિક્સ પગારધારકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આમ અગાઉ ફિક્સ પગારધારકોને કોઈપણ તપાસ વગર છૂટા કરી દેવામાં આવતા હતા તે હવે કરી શકાશે નહીં.