નીચલી કોર્ટે મૃત વ્યક્તિની ઓછી આવકના આધારે નક્કી કરેલી વળતરની રકમ હાઈકોર્ટે વધારી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બાઈક અકસ્માતમાં મોતને ભેટેલ પાઉંભાજીની લારી ચલાવતા શખ્સના પરિવારજનો માટે ગુજરાત હાઈકોર્ટેે રાહત સમાન ચુકાદો આપ્યો છે. વીમા કંપનીએ મૃત વ્યક્તિની માસિક આવકના આધારે વળતરની રકમ નક્કી કરી હતી પરંતુ હાઈકોર્ટે મૃતકની આવકનું અવલોકન કરી કુલ રૂપિયા ૩૨ લાખ ૨૯ હજારની રકમ ચૂકવવા આદેશ કર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બાઇક અકસ્માતને કારણે વાહનચાલકનું મૃત્યુ થયું હતું. મૃતક વ્યક્તિ પોતે પાઉંભાજીની લારી ચલાવતો હતો અને પરિવારમાં આવકનું એકમાત્ર સ્તોત્ર હતો. ધોરાજી કોર્ટમાં અરજદારના વકીલે જણાવ્યું કે મૃતકના અવસાન બાદ પરિવારજનોએ વળતર માટે ઇન્શ્યોરન્સ કંપની સામે ધોરાજી કોર્ટમાં અપીલ કરી હતી. આ બાબતે વળતરનો કેસ ચાલ્યા બાદ નીચલી કોર્ટે મૃત વ્યક્તિની માસિક આવક ૩૦૦૦ ગણીને રૂપિયા ૭.૧૯ લાખનું વળતર રકમ ચૂકવવા આદેશ કર્યો હતો, એમાં પણ વાહનચાલકની બેદરકારી માટે ૧૦% રકમ કાપી ૬.૪૭ લાખની રકમ ચૂકવવા કહ્યું હતું. ધોરાજી કોર્ટના ચુકાદા સામે મૃતકનાં પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો હતો અને અપીલ કરી હતી. જેમાં પરિવારજનોએ માસિક આવકની ગણતરી સામે વાંધો ઉઠાવી અન્ય મળવાપાત્ર લાભોની રકમ વધારવા દલીલ કરી હતી. મૃતકની બેંકના આર્થિક વ્યવહારોની વિગતો, તેનાં બાળકોની સ્કૂલ ફી, ઉપરાંત રિકરિંગ એકાઉન્ટની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી. ઉપરાંત પરિવારમાં ૮ લોકોના ગુજરાન માટે ૩ હજારની માસિક આવક પર્યાપ્ત ન હોવાની દલીલ કરી હતી. હાઇકોર્ટમાં અરજદારના વકીલોએ દલીલ કર્યા બાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને મોનાબેન ભટ્ટની ખંડપીઠે અવલોકન કર્યું કે મૃતકની આવક ૧૮ હજારથી ઓછી હોય ન શકે, જેથી કોર્ટે અરજદારની આવક ૧૮ હજાર નક્કી કરીને કુલ ૩૨ લાખ ૨૯ હજારની રકમ ચૂકવવા ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ સાથે સાથે ઈન્શ્યોરન્સ કંપનીને કોર્ટે ૧૦ હજારના દંડનો પણ હુકમ કર્યો છે.