અમદાવાદ, તા.૧૬
શહેરના જૂના વાડજ વિસ્તારમાં ગઇ મોડી રાત્રે ગુટખા ખાવાની સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતાં ચાર શખ્સોએ ભેગા મળી એક યુવકને પેટમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ભારે હોબાળા અને વિવાદ બાદ વાડજ પોલીસે પણ તાત્કાલિક હરકતમાં આવી ગણતરીના કલાકોમાં યુવકની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ પૂનમ મકવાણા, તેના ભાઈ રવિ મકવાણા અને વિશાલ ચૌહાણની ધરપકડ લીધી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, જૂના વાડજના પરીક્ષિત નગરમાં રહેતા મૃતક વિજય વાઘેલા સાથે તેમના જ વિસ્તારમાં રહેતા પૂનમ મકવાણા, રવિ મકવાણા, બાબુ અને વિશાલ નામના યુવકોએ ગુટખા ખાવા બાબતે બોલાચાલી કરી હતી. માત્ર એટલું જ નહીં, મૃતક વિજયને માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ મારથી બચવા ભાગી રહેલા વિજય વાઘેલાને વિશાલ નામના શખ્સે પકડી લીધો હતો અને પૂનમ મકવાણાએ તેની પાસે રહેલા છરાથી શરીરના ભાગે ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા હતી. જો કે, યુવકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.ઘટનાની જાણ થતાં વાડજ પોલીસનો સ્ટાફ કાફલા સાથે ત્યાં દોડી આવ્યો હતો અને આરોપીઓ વિરૂદ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. યુવકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવતાં અને ઉગ્ર માંગ કરતાં વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓ પૂનમ મકવાણા, તેના ભાઈ રવિ મકવાણા અને વિશાલ ચૌહાણની ધરપકડ કરી હતી અને સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં નાસતા-ફરતા વધુ એક આરોપીની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા હતા.