અમદાવાદ, તા.૧૬
પોલીસ દળને સ્માર્ટ યુગ પ્રત્યે અભિપ્રેત કરવાના નવતર અભિગમ પોકેટ કોપ પ્રોજેક્ટનું ગાંધીનગરમાં રાજ્યવ્યાપી લોન્ચિંગ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. આ પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, તપાસ અધિકારી, પીસીઆરવેન અને પાસપોર્ટ વેરીફિકેશન કામગીરી સંભાળતા પોલીસ કર્મીઓને ૪૯૦૦ સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે અપાશે. આ સ્માર્ટ ફોનમાં ૬૮ લાખથી વધુ ગુનાહીત રેકર્ડ ધરાવતી વ્યક્તિઓ ગુનેગારોની માહિતી સહિતનો ડેટા બેઈઝ આંગળીના ટેરવે ઉપલબ્ધ થવાનો છે. મુખ્યમંત્રીએ આ પોકેટ કોપ પ્રોજેક્ટમાં અપાનારા મોબાઈલ ફોનને પરિણામે પોલીસ કર્મીઓની કાર્યદક્ષતાની વૃદ્ધિ સાથે ગુનેગારોનો રેકર્ડ હાથવગો રહેતા ગુનાખોરી પર નિયંત્રણ આવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે, આવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ દળમાં થવાથી ગુનેગારોની હિંમત તૂટશે અને ગુનો આચરતાં કાંપશે. વિજય રૂપાણીએ ગુજરાત પોલીસ સાઈબર ક્રાઈમ સહિતની સંકીર્ણ થતી હતી. ગુનાખોરી સામે સખ્તાઈથી પેશ આવી છેે તેની સરાહના કરતા કહ્યું કે, પાછલા દિવસોમાં હીરા-ઝવેરાત લૂંટ, સોનાની લૂંટ, આંગડિયા પેઢી લૂંટ જેવા મોટા ગુનાઓ પોલીસ દળે ગણતરીના સમયમાં ઉકેલીને તેની સજ્જતાનો પરિચય આપ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સીસીટીવી સર્વેલન્સ નેટવર્કને પરિણામે ડિટેક્શન રેટ વધ્યો છે. તેમણે આગામી ત્રણ મહિનમાં રાજ્યના તમામ જિલ્લાઓને સીસીટીવી નેટવર્કથી સાંકળી લેવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ આ વેળાએ કરી હતી. વિજય રૂપાણીએ પ્રતિક રૂપે રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ અધિકારી કર્મીઓને આ સ્માર્ટ ફોન અર્પણ કર્યા હતા. ગુજરાત પોલીસ સ્માર્ટ છે અને શાર્પ પણ છે. તેમના હાથમાં હવે ગુનેગારોના ડેટા સાથેનો મોબાઈલ ફોન હશે એટલે ગણતરીની સેકન્ડોમાં ક્રાઈમ ડિટેક્શન કરી શકશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એમ કહીને ઉમેર્યું હતું કે, ર૧મી સદીમાં ગુજરાત અને ગુજરાત પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી અલગ ઓળખ ઊભી કરી છે. ક્રાઈમ રેટ પર પણ કંટ્રોલ આવ્યો છે. સ્માર્ટ સિટી અંતર્ગત રૂા.૩૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યના શહેરી વિસ્તારોમાં સીસીટીવી નેટવર્ક ઊભું કરીને ગુનાહીત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ જહાએ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પોકેટ કોપના માધ્યમથી નાગરિકોને પાસપોર્ટ વેરીફિકેશન જેવી સુવિધાઓ ઘરબેઠા ઉપલબ્ધ કરાવાશે તેમજ ગુનેગારોની ઓળખ અને ગુનાઓ ઝડપી ઉકેલી શકાશે.