કોંગ્રેસ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે, પણ અંગ્રેજોને સમર્થન કરનારા સંગઠનો આ વાત સમજી શકશે નહીં : સુરજેવાલા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
મંગળવારે કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે તાજેતરમાં ગુપ્કર ગેંગ ટિપ્પણી કરતાં કોંગ્રેસે તેમની પર પસ્તાળ પાડી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ શાહના ગેરમાર્ગે દોરતાં અને અટકચાળાભર્યા નિવેદન બદલ તેમની આકરી ઝાટકણી કાઢી હતી. એક નિવેદનમાં સુરજેવાલાએ જણાવ્યું હતું કે, ચીનને ભારતની જમીન પરથી ખસેડી મૂકવાને બદલે અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાને બદલે અમિત શાહ અને મોદી સરકાર આવું બેજવાબદારીપૂર્વકનું વર્તન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકાર અને તેમના મંત્રીઓએ પોતાની સ્મરણ શક્તિને મજબૂત બનાવવાની જરૂર છે. ઉપરાંત તેમણે હકીકતોથી પણ વાકેફ થવાની આવશ્યકતા છે. કોંગ્રેસ અને કોંગ્રેસના ઘણાં નેતાઓએ આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. પણ અંગ્રેજોને સમર્થન કરનારા સંગઠનો આ વાત સમજી શકશે નહીં. આ સાથે સુરજેવાલાએ ભાજપને કેટલાક પ્રશ્નો કર્યા હતા. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રીને પ્રશ્ન કર્યો હતો કે, તેઓ કોંગ્રેસના ઈરાદાઓ સામે શંકા કરવા અંગે જવાબ આપે. તેમણે એ વાતનો જવાબ આપવો જોઈએ કે, ભાજપની પિતૃક સંસ્થા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે શા માટે ૫૨ વર્ષો સુધી ત્રિરંગો પકડયો ન હતો. અમિત શાહ અને મોદી સરકારના મંત્રીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રવાદના પાઠ શીખવા જોઈએ.
કોંગ્રેસના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહે એ વાતનો જવાબ પણ આપવો જોઈએ કે, ભાજપે શા માટે મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી સાથે મળી જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી હતી અને હવે શા માટે તેઓ પીડીપીની ટીકા કરી રહ્યાં છે. ભાજપે એ વાતનો પણ જવાબ આપવો જોઈએ કે, તેમણે જમ્મુ-કાશ્મીરની જેલમાં કેદ કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહર, મુસ્તાક અહેમદ ઝરગર અને અહેમદ ઓમર સઈદ શેખને શા માટે છોડી મૂક્યા હતા. શું આ આંતકવાદીઓ મુંબઈના ૨૬/૧૧ના હુમલામાં સામેલ ન હતા. દરમ્યાન જમ્મુ-કાશ્મીરના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ શાહના નિવેદન અંગે વળતી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હું તેમની હતાશાને સમજી શકું છું.