વાગરા, તા.૨૭
વાગરાના પાદરિયા ગામના યુવકની લાશ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે નરણાવી ગામ નજીક આવેલા તળાવમાંથી લાશને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા તાલુકાના પાદરિયા ગામનો યુવક અજય દિલીપ ગોહિલ (ઉ.વ.૧૯) ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે યુ.પી.એલ. કંપનીની બાજુમાં આવેલ શોપિંગમાં ગ્રાહકોને દૂધ આપવા ગયો હતો. અજય ઘરે પરત નહીં ફરતા તેના પરિવાર ચિંતામાં મૂકાઈ ગયા હતા. શોધખોળ બાદ પણ કોઈ સગડ નહીં મળતા દહેજ પોલીસ મથકે પરિવારે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. ગુમ યુવકની બાઇક નરણાવી ગામ નજીક આવેલ તળાવથી દૂર મળી આવતા તેની તપાસ ચાલુ કરી હતી. તળાવમાં અમિતની લાશ તળતી દેખાતા દહેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને ક્રેનની મદદથી બહાર કઢાવી ભરૂચ સિવિલમાં પી.એમ. અર્થે મોકલી આપી હતી. યુવકની લાશ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્થળ ઉપર હાજર લોકોના કહેવા મુજબ તેના હાથ બાંધેલી અવસ્થામાં હતા જેથી એટલું અનુમાન લગાવી શકાય કે યુવકની ઠંડા કલેજે હત્યા કરી દેવાઈ હશે ??? દહેજ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ ધરી હતી.