અમદાવાદ, તા.૧ર
પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરી ચૂકેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુમ હોવાની વાતો તેના પરિવારજનો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ હાર્દિક પટેલે દિલ્હીમાં આપની જીત બદલ કેજરીવાલને અભિનંદન આપતી ટ્‌વીટ કરી છે. એટલે હાર્દિક ગુમ હોવાની પોલ ખૂલી ગઈ છે.
હાર્દિક પટેલે દિલ્હી ચૂંટણી પરિણામ જાહેર થયાના બીજા દિવસ એટલે કે બુધવારે ટ્‌વીટ કરીને કેજરીવાલ સાથેનો જૂનો ફોટો શૅર કરતાં લખ્યું કે, શુભેચ્છા… શુભેચ્છા… ફરી એકવાર શુભેચ્છા…દિલ્હીની જનતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાર્દિક અભિનંદન.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ગુમ થવાના અહેવાલ આવ્યા બાદથી સમગ્ર રાજ્યમાં હોબાળો થઈ ગયો હતો. હાર્દિકની પત્ની કિંજલ પટેલે પાટીદાર નેતાના ગુમ થવાની પાછળ રાજ્યની સરકારી મશીનરી પર આરોપ લગાવ્યા હતા. જો કે, ગુજરાત પોલીસના મહાનિદેશકે કિંજલ પટેલ તરફથી લગાવવામાં આવેલા તમામ આરોપોથી ઇન્કાર કરી દીધો હતો.
હાર્દિક પટેલની પત્ની કિંજલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા પતિ અને પરિવારને રાજ્યની સરકારી મશીનરી ખૂબ હેરાન કરી રહી છે. મારા પતિ પર કોઈ પુરાવા વગર દેશદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો છે. જે સ્પષ્ટપણે સરકારની ખોટી મહેચ્છા દર્શાવે છે. નોંધનીય છે કે ૨૦૧૫માં થયેલા પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરી ચૂકેલા હાર્દિક પટેલ સતત કાયદાના સકંજામાં ફસાતા જાય છે. હાર્દિક પર અત્યાર સુધી ૨૦થી વધુ કેસ નોંધાયા છે. આ મામલામાં મોટાભાગના દેશદ્રોહ અને શાંતિભંગના કેસ છે.