(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
ગુરૂગ્રામના નવા અને જૂના વિસ્તારો સહિત સેક્ટર પાંચના રાજેન્દ્ર પાર્‌(, સરકત નગર, ઘનવાપુર, પાલમવિહાર, સેકટર-૧૮ની મારૂતિ ફેક્ટરી, સેક્ટર-૧૭ના ડીએલએફ-૧ ખાતે શનિવારે તીડનું ઝુંડ જોવા મળ્યું હતું. સવારે ૧૧ વાગ્યે તીડોના હુમલાથી ગુરૂગ્રામના લોકો ચોંકી ગયા હતા. તીડના હુમલાના પગલે દિલ્હી સરકારે તાકીદની બેઠક બોલાવી હતી. ગુરૂગ્રામના વહીવટી તંત્રએ તીડના હુમલાથી થયેલા નુકસાનની આકરણી શરૂ કરી છે. તાકીદની બેઠક બાદ દિલ્હી સરકાર તીડના હુમલા મામલે નિર્દેશો બહાર પાડશે.
પાકિસ્તાનથી વાયા રાજસ્થાન હવે તીડનું ઝૂંડ શનિવારે ગુરૂગ્રામથી ફરીદાબાદ પહોંચી ગયું છે. પાનીપતના ડેપ્યુટી કમિશનરે ખેડૂતોને એલર્ટ પર રહેવાની ભલામણ કરી છે. પાકિસ્તાનથી આ ઝૂંડ રાજસ્થાન પહોંચ્યું હતું. ત્યાંથી તે મહેન્દ્રગઢ જિલ્લાથી હરિયાણામાં પ્રવેશ કરી ચૂક્યું છે. શુક્રવારે આ ઝૂંડે રેવાડી અને નારનૌલમાં ખેડૂતોના પાકને નષ્ટ કરી નાખ્યા હતા. હવે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
પાનીપતના જિલ્લા ડેપ્યુટી કમિશનર ધર્મેન્દ્રસિંહે સમાલખ અને ઇસરાના ખંડના ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ અવાજ કરે તેવા યંત્રો અને સામાન(થાળી, વાસણ, ચમચા, વાટકા વગેરે) લઇને તૈયાર રહે. આ ઝૂંડમાં ૬૦ લાખ તીડ છે જેની લંબાઇ ૧૦ કિલોમીટર અને પહોળાઇ ૬ કિલોમીટર છે. દિવસના સમયે આ ઝૂંડ ત્રાટકે તો અવાજ કરીને ભગાડવા પડશે. જો રાત્રે તીડ આવશે તો તેમને સ્પ્રે કરીને ભગાડવા પડશે.