(એજન્સી) ગુરૂગ્રામ, તા. ૨૫
ગુરૂગ્રામની સ્કૂલ બસ પરના હુમલાના મુદ્દે આક્રોશ અને ચુસ્ત સુરક્ષાની વચ્ચે રાજપૂત જૂથોએ પદ્માવત રીલિઝ પર ભારે ઉત્પાત મચાવવાનું ચાલુ રાખ્યું હતું. યુપી અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ જામ કરીને રેલીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં પ્રદર્શનકારીઓની સામે પગલાં ભરવામાં નિષ્ફળ રહેલી ચાર રાજ્ય સરકારની સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી. આ રાજ્યોમાં દેખાવકારો ગાંડા બન્યા હતા, પોલીસ સાથે ઝપાઝપી ઉતર્યાં, વાહનો બાળી નાખ્યાં તથા મોલમાં તોડફોડ કરી. આ કેસની સોમવારે સુનાવણી થવાની છે. ગુરૂગ્રામની સ્કૂલ બસ પર હુમલો કરનાર ૧૮ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી.
૧. પદ્માવત પર સુપ્રીમ કોર્ટની અવમાનના કરનાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણાની સામે કાર્યવાહી કરાવની માંગણીએ સુપ્રીમ કોર્ટમાં એક પીટિશન દાખલ કરવામાં આવી. કરણી સેનાનીસામે પણ અવમાનના કેસ દાખલ કરવાની બીજી એક અરજી દાખલ કરવામાં આવી.
૨. કરણી સેનાએ તેના સમર્થકોને પદ્માવત રીલિઝને ખોરવી નાખવાની ધમકી આપી હોવાથી ઘણા રાજ્યોમાં પોલીસ સતર્ક છે.
૩. રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું. જયપુર અને ઉદયપુરમાં સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ પ્રદર્શનકારી બાઈકો લઈને ખોફ ફેલાવવા નીકળ્યાં હતા. બિહારના દરભંગામાં પણ પ્રદર્શનની કેટલીક ખબરો આવી હતી.
૪. આગરા, મુગલસરાય સહિત યુપીના વિસ્તારોમાં કરણી સેનાના સભ્યોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટોચના પોલીસ અધિકારીઓને આદેશ આપીને ફિલ્મનું શાંતિપૂર્ણ રીલિઝ સુનિશ્ચિત કરવાનું જણાવ્યું.
૫. હરિયાણા અને પંજાબમાં સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ થિયેટરોની અંદર અને આસપાસ કડક સુરક્ષાના બંદોબસ્તની વચ્ચે પદમાવત રીલિઝ કરવામાં આવી. ફિલ્મને સારો પ્રતિસાદ સાંપડ્યો.
૬. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ગુરૂગ્રામની સ્કૂલ બસ પરના હુમલાનો વખોડ્યો. સાથે તેમણે કહ્યું કે કેટલીક વાતનો કાગનો વાઘ કરવામાં આવ્યો છે.
૭. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મોદી સરકાર એનડીએ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી શકવામાં નિષ્ફળ નીવડી છે.
૮. પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સિનેમાહોલની બહાર પોલીસ સુરક્ષાનો બંદોબસ્ત હોવા છતાં પણ એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી.
૯. લખનઉમાં પણ કરણી સેનાના સભ્યોએ આ ફિલ્મના વિરોધ માટે ગાંધીવાદી માર્ગ અપનાવ્યો. કરણી સેનાના લોકોએ નોવેલ્ટી સિનેમા હોલની બહાર લોકોને ગુલાબ આપ્યું અને ફિલ્મ ન જોવાની અપીલ કરી.
૧૦. દેશમાં ૭૫ ટકા મલ્ટિપ્લેક્ષ માલિકોનું પ્રતિનિધિત્વ કરનાર મલ્ટિપ્લેક્ષ એસોશિએશન ઓફ ઈન્ડીયાએ કહ્યું કે ચાર રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાના માહોલ સારો ન હોવાને કારણે પદ્માવત રીલિઝ નહીં થાય.