(એજન્સી) શ્રીનગર, તા.૮
ગુલબર્ગ મુસ્લિમ યુનિટી મોરચા અને સ્થાનિક રઝા અકાદમીના પરિસરમાં સેંકડો મુસ્લિમ મહિલાઓ અને પુરૂષોએ ટ્રિપલ તલાક બિલ સામે વિરોધ પ્રદર્શન કર્યા અને આ બિલને સંસદના શીતકાલિન સત્રમાં રજૂ ન કરવા વિરોધ દર્શાવ્યો હતો. મોદી સરકારના આ પગલાં વિરૂદ્ધ તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટ્રિપલ તલાક બિલ રજૂ કરવાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. આ રેલીને સંબોધતા ગુલબર્ગા મુસ્લિમ યુનિટીના અધ્યક્ષ જવાદ અલીએ જણાવ્યું કે, મુસ્લિમ સમુદાય સરકારના આ પગલાંનો જોરદાર વિરોધ કરી રહ્યો છે જે શરીઅત વિરૂદ્ધ છે. તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવિત મુસ્લિમ મહિલા (વિવાહના અધિકારોનું સંરક્ષણ) બિલ ર૦૧૭ની જોગવાઈ ખૂબ જ આપત્તિજનક છે. ત્રણ તલાક બિલમાં દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને પત્ની માટે બાળકો રાખવાની જવાબદારી વધારી દીધી છે. એમણે કહ્યું કે, ત્રણ તલાક સ્વયં જ રદબાતલ થઈ જાય છે અને અહીં સજાનો દાયરો બાંધવામાં આવ્યો છે.
અલીએ કેન્દ્ર સરકાર પર મુસ્લિમ પર્સનલ કાનૂનમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, સમગ્ર મુસ્લિમ સમુદાય ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરશે. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ ત્રણ તલાક બિલ પરત લેવાની માગ સંબંધિત જિલ્લાધિકારીને આવેદનપત્ર સોંપ્યું.