(એજન્સી) ગુવાહાટી, તા.૧૬
આસામના પાટનગર ગુવાહાટીમાં પોલીસે પંજબરી વિસ્તારમાં શોધ અભિયાન ચલાવી બોમ્બ બનાવવામાં વપરાતા વિસ્ફોટકો, દારૂગોળો અને શસ્ત્રો સાથે લેપટોપ તેમજ ગુનાહિત સાહિત્ય જપ્ત કર્યું હતું, જે વ્યક્તિના ઘરમાંથી આ વિસ્ફોટક મળ્યા હતા, તે દંપતીની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. એક માસ પહેલાં દંપતીએ મકાન ભાડે લીધું હતું, જે શકમંદ ઉલ્ફા ઉગ્રવાદીઓ સાથે સંબંધ ધરાવે છે. ગુવાહાટી પોલીસ કમિશનર દીપકકુમારે આ જપ્તી અંગે કોઈ ઊંડી માહિતી આપી ન હતી. તેમણે કહ્યું કે, તપાસ ખરા રસ્તે ચાલી રહી છે. તેમાં અમે આગળ વધી રહ્યા છે. બુધવારે ગુવાહાટીમાં શોપિંગ મોલમાં ગ્રેનેડ એટેકમાં ૧ર લોકો ઘવાયા હતા. પોલીસે કહ્યું કે, એક શકમંદ શખ્સે બાઈકના સહારે શોપિંગ મોલ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો, જ્યાં ૧ર લોકો ઘવાયા હતા. ડીજીપી કુલધર સઈકિયાએ કહ્યું કે, ગ્રેનેડ હુમલો પોલીસને નિશાન બનાવવાના ઈરાદાથી કરાયો હતો. મોલની સામે પોલીસે બેરિકેડ ઊભી કરી હતી, જ્યાં વાહનોનું ચેકિંગ ચાલતું હતું. સ્થાનિક ટીવી ચેનલના અહેવાલમાં જણાવાયું છે કે, હુમલાની જવાબદારી ઉલ્ફાના વડા પરેશ બરૂઆએ લીધી હતી, પરંતુ પોલીસે તેની પુષ્ટિ કરી નથી. શહેરમાં મંદિરો અને મોટા સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરાઈ હતી. કામાખા મંદિરની સુરક્ષા વધારાઈ હતી. મુખ્યમંત્રી સર્બાનંદ સેનાવાલાએ હુમલાને વખોડી કાઢ્યો હતો. આવા હુમલાઓની કોઈને છૂટ નહીં અપાય. ગુનેગારોને ઝડપી લેવાશે.