(એજન્સી) મુંબઈ, તા.૧ર
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ તેની પ્રેગનેન્સીને એન્જોય કરી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીની હિમ્મત વધારતી જોવા મળી. આ વચ્ચે અનુષ્કા શર્માને લઇને ગૂગલ સર્ચ પર કંઇક એવું થયું કે જેની ચર્ચા થઇ રહી છે. ખરેખર, જો તમે અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની લખીને ગૂગલ સર્ચ પર સર્ચ કરો છો, તો પરિણામમાં અનુષ્કા શર્માનું નામ આવી રહ્યું છે. એટલું જ નહીં, તેની એક તસવીર પણ છે. તમે સ્ક્રીનશોટમાં આ સ્પષ્ટ જોઈ શકો છો. બધાં જાણે છે કે અનુષ્કા શર્મા ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની છે, પરંતુ જાણો રાશિદ ખાનની પત્ની કેમ ગૂગલ સર્ચ પર જોવા મળે છે. સૌ પ્રથમ જણાવી દઇએ કે રાશિદ ખાન કોણ છે. ૧૯૯૮ માં જન્મેલા, રાશિદ ખાન અફઘાનિસ્તાનનો ક્રિકેટર છે અને હાલમાં તેની ટીમનો ઉપ કેપ્ટન છે. તે એ ૧૧ ક્રિકેટરોમાં સામેલ છે જેણે જૂન ૨૦૧૮ માં ભારત સામે ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પણ ભાગ લીધો હતો. ગુગલ સર્ચમાં, રાશિદ ખાનની પત્ની તરીકે કેમ અનુષ્કા શર્માનું નામ આવી રહ્યું છે, આ સમગ્ર મામલો ૨૦૧૮ થી શરૂ થયો. ખરેખર ચાહકો સાથે ચેટ સેશન દરમિયાન રાશિદ ખાનને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આમાંથી એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે બોલિવૂડમાં તેની પ્રિય અભિનેત્રીઓ કોણ છે? રાશિદ ખાને અનુષ્કા શર્મા અને પ્રીટિ ઝિન્ટાનું નામ લીધું છે. રાશિદ ખાન તે સમયે સમાચારોમાં હતો. બસ, અહીં રાશિદ ખાનની પત્ની અનુષ્કા શર્માનું નામ ગૂગલ સર્ચમાં આવવાનું શરૂ થયું. ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૨૦ માં એક ઇન્ટરવ્યુ દરમિયાન રાશિદે કહ્યું હતું કે હજી સુધી તેના લગ્ન નથી થયા.