(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
મુખ્યમંત્રીના નિવાસસ્થાન ખાતે યોજાયેલી બેઠકમાં આપ ધારાસભ્યોએ મારી સાથે ગેરવર્તણૂંક કરીને હુમલો કર્યો તેવા મુખ્ય સચિવના આક્ષેપ બાદ દિલ્હી સચિવાલયમાં ભારે હોબાળો મચ્યો હતો. મુખ્ય સચિવે આમ આદમી પાર્ટી પર હુમલાનો આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર હુમલાનો આક્ષેપ કર્યો. ગૃહ મંત્રાલયે ઉપરાજ્યપાલ પાસેથી રિપોર્ટ માંગતા આપનો કેન્દ્ર સરકાર પર પક્ષપાતનો આક્ષેપ કર્યો છે. દિલ્હી મુખ્ય સચિવના આપ ધારાસભ્યો પર હુમલાના આક્ષેપ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ જાણીને મને અત્યંત દુખ થયું. રાજનાથે કહ્યું કે ઉપરાજ્યપાલ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે જે પછી આ કેસમાં ઘટતું કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ કેસમા ન્યાય જરૂરથી કરવામાં આવશે. આઈએએસ એસોસિએશને રાજનાથની મુલાકાત લઈને તેમને આ અંગે વાકેફ કર્યાં હતા. ઘટના બાદ મુખ્ય સચિવ અને ઉપરાજ્યપાલ અનિલ બેંજલે રાજનાથને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કર્યાં હતા. આઈએએસ અધિકારીઓના સંગઠને રાજનાથની મુલાકાત લઈને આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજનાથે એવું પણ કહ્યું કે સમગ્ર ઘટના અંગે ઉપરાજ્યપાલ પાસેથી વિસ્તૃત રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે જેને આધારે પગલાં ભરવામાં આવશે. કેજરી સરકારના મંત્રી ઈમરાન હુસેને એવો આક્ષેપ કર્યો કે સરકારી અધિકારીઓએ મને મારી ઓફિસમાં પ્રવેશ થતાં અટકાવ્યાં હતા. હુસૈને ઈન્દ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને એવો આક્ષેપ કર્યો કે ગુસ્સે થયેલા ટોળાએ મારી પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આપ નેતા આશિષે ખેતાને પણ કહ્યું કે મારી પર પણ હુમલો કરવામાં આવ્યો. તમને કહ્યું કે તોફાન જેવી સ્થિતિ હતી એક ટોળું એકત્ર થયું હતું જે હિંસક બન્યું અને નારેબાજી કરવા લાગ્યું. મુખ્ય સચિવના આક્ષેપ બાદ આઈએએસ સંગઠન હડતાલ પર ઉતરી ગયું અને સચિવાલયમાં કર્મચારીઓએ જોરદાર હોબાળો મચાવ્યો. કર્મચારીઓ દ્વારા સચિવાલયના પહેલા માળે મંત્રી ઈમરાન હુસૈનની સાથે ધક્કામુક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં મંત્રીના એક સહયોગીને ઈજા થઈ હોવાની ખબર છે. આમ આદમી પાર્ટીના નેતા આશિષ ખેતાનના બોલાવવાથી સચિવાલયમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. ખબરોમાં જણાવ્યાનુસાર, કર્મચારીઓએ મંત્રી હુસેન અને આશિષ ખેતાનની સચિવાલયમાં ઘેરાબંધી કરી લીધી હતી. ભીડમાથી મારો મારોનો પણ અવાજ આવી રહ્યો હતો. આપના એક ધારાસભ્યે આ કેસમાં અંશુ પ્રકાશની સામે સંગમ વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આપના ધારાસભ્ય અમાનતુલ્લાહે મુખ્ય સચિવના આક્ષેપોનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મુખ્ય સચિવની સાથે કોઈ પણ ગેરવર્તાવ નથી થયો તેઓ કોઈના ઈશારે આવું કામ કરી રહ્યાં છે.