(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
કતારગામની સગીરા પર એકવાર ગેંગરેપ કર્યા બાદ બીજીવાર પ્રયાસ કરનાર નરાધમોએ કાયદાના લીરા ઉડાડતા પીડિતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં છેલ્લાં ૧૩ દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા પિતાનું મોત નિપજતાં અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. સૌથી સુરક્ષિત ગણાતા સુરત શહેરમાં ગંભીર પ્રકારના ગુનાનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે નારાજગી જોવા મળે છે.
કતારગામ સગીરા પર ગેંગરેપ કર્યા બાદ ઠપકો આપવા ગયેલા તેના પિતા અને ભાઈ ઉપર પણ નરાધમે છરીથી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજા પામેલા પીડિતાના પિતાનું ૧૩ દિવસની સારવાર બાદ મુંબઈની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આજે સવારે પીડિતાના પિતાની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે લોકો જોડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ વિસ્તારમાં રહીત સગીર વિદ્યાર્થિની ઉપર જયેશ ખોખરિયા નામના નરાધમે તેના બે મિત્ર સાથે છ મહિના પહેલાં કારમાં અપહરણ કરી વારાફરતી બળાત્કાર કર્યો હતો અને મોબાઈલમાં ફોટા પાડી બ્લેક મેઈલ કરી ફરી બીજીવાર પણ અપહરણનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પીડિતાના પિતા અને ભાઈને જાણ થતાં જયેશને ઠપકો આપવા ગયા હતા. ત્યારે જયેશ અને તેના ભાઈ સહિતના આરોપીઓએ તેમના પર ચપ્પુથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી જેમાં પિતાને વધુ સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આજે પીડિતાના પિતાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે. દરમિયાન આજે સવારે પીડિતાના પિતાની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી જેમાં આજુબાજુ વિસ્તારમાં સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ઉન્નાવ કેસનું રિપિટેશન
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ આખા કુટુંબને પતાવી દેવાના આશયથી ઉડાવી દેનાર ભાજપના ધારાસભ્ય સામે ગુનો દાખલ થયો હતો અને તેને એક કેસમાં કસૂરવાર પણ ઠેરવવામાં આવ્યો છે. સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના બાદ આરોપીઓને ઠપકો આપવા ગયેલા પિતા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. સેફ ગુજરાતની ગુલબાંગો વચ્ચે ભાજપના રાજમાં ગુનેગારો ખુલ્લેઆમ ગંભીર ગુના આચરી રહ્યા હોવાનું પ્રતિતિ થાય છે.