(એજન્સી) તા.૯
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ગુરૂવારે માગણી કરી હતી કે ગેંગસ્ટર વિકાસ દુબેને મળેલા સંરક્ષણ અંગે સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. તેમણે કાનપુરમાં પોલીસ કર્મીઓની હત્યાનો કેસ અને દુબેની ધરપકડ મુદ્દે ઉત્તરપ્રદેશ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આ કેસનો ઘટનાક્રમ સુરક્ષા વ્યવસ્થામાં રહેલા છીંડા દર્શાવે છે. પ્રિયંકા ગાંધીએ ટવીટ કરી કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ સરકાર કાનપુરના જઘન્ય હત્યાકાંડ કેસમાં ઝડપી કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે. એલર્ટ હોવા છતાં ગેંગસ્ટરનું કાનપુર સુધી પહોંચી જવું સુરક્ષા વ્યવસ્થામાં રહેલા છીંડાઓને ઉઘાડા પાડે છે. તેમણે આ પણ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારે આ કેસમાં સીબીઆઈ તપાસ કરાવવી જોઈએ કે જેથી બધા તથ્યો સામે આવે અને દુબેને કોણે રક્ષણ આપ્યું હતું તે પણ જાહેર થાય.