નવી દિલ્હી, તા.૨૫
જમૈકાના યુસૈન બોલ્ટનું નામ દુનિયાના સૌથી ફાસ્ટેસ્ટ રનર તરીકે જાણીતું છે અને તે ૮ વખત ઓલ્મિપિક ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. પણ તેમ છતાં આજે કાળજી ન રાખવાને કારણે યુસૈન બોલ્ટ કોરોનાનો શિકાર બન્યો હોવાની ચર્ચા ઊઠી રહી છે. ૩૪મા બર્થ ડેની લેવિશ પાર્ટી આપ્યા બાદ કોરોનાનાં લક્ષણો દેખાતાં યુસૈન બોલ્ટ ક્વોરન્ટીન થયો હતો. અને બાદમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુસૈન બોલ્ટે વીડિયો જાહેર કરીને આ માહિતી આપી છે. તેણે શનિવારે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. પોતાના ૩૪મા બર્થ-ડે પાર્ટીની ઉજવણી બાદના એક દિવસ પછી જ યુસૈન બોલ્ટ કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્યું છે.
બર્થ ડે યુસૈન બોલ્ટે બર્થ ડે બેશ પાર્ટીનું આયોજન કર્યું હતું અને પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં એકપણ નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું તેવું જણાવવામાં આવી રહ્યું છે. યુસૈન બોલ્ટે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, ગુડ મોર્નિંગ, હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મેં શનિવારે ટેસ્ટ કરાવ્યો હતો. હું જવાબદાર બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. જેથી હું ઘરની અંદર જ રહું છું અને બહાર કે મિત્રોને મળવાનું ટાળી રહ્યો છું અને મને કોઈ લક્ષણો પણ નથી, જેને લીધે હું સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ રહ્યો છું. અને હેલ્થ મિનિસ્ટ્રીના પ્રોટોકોલને આધારે આગળની ક્વોરન્ટિન પ્રક્રિયાનું પાલન કરીશ. બસ સુરક્ષિત રહેજો. એક ઈન્ટરનેશનલ સમાચાર એજન્સી પ્રમાણે ઓગસ્ટ ૨૧ના રોજ બોલ્ટની બર્થ ડે પાર્ટીમાં મોટા માથાઓએ હાજરી આપી હતી. ક્રિકેટ લિજેન્ડ ક્રિસ ગેઈલ, માન્ચેસ્ટર સિટી સ્ટાર સ્ટર્લિંગ સહિતનાં સેલિબ્રિટીઓ આ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા. બર્થ ડે પાર્ટીના વાઈરલ થયેલાં વીડિયોમાં બોલ્ટ લોકો સાથે હસી-મજાક કરતો જોવા મળી રહ્યો છે. અને ગેસ્ટ સાથે ડાન્સ કરતાં પણ જોવા મળ્યો હતો.