(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.૨૫
નસવાડી મામલતદાર પોતાના સ્ટાફ સાથે રેતી ભરેલી ઓવરલોડ ટ્રકોની ચેકિંગમાં હતા ત્યારે એક ગેરકાયદેસર રીતે ભરેલ ટ્રકને અટકાવતા ટ્રક ચાલક સહિત ત્રણએ મામલતદાર સહિત સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રેતી રોડની વચ્ચે ખાલી કરી ભાગી જતા નાયબ મામલતદારએ નસવાડી પોલીસ મથકે ૪ જણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નસવાડી મામલતદાર જી.આર. હરદાસણી, વિપુલભાઈ નારણદાસ ચૌધરી, ગાડીચાલક મહેબૂબખાન સરકારી ગાડી લઈ નસવાડી તાલુકા પંચાયત પાસે ઓવરલોડ અને ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રકોની ચેકિંગમાં હતા ત્યારે ગેરકાયદેસર રોયલ્ટી વગરની ઓવરલોડ રેતી ભરેલ ટ્રક પસાર થતાં મામલતદાર હરદાસણીએ આ ટ્રકને ઊભી રખાવતા ટ્રક માલિકનો ભત્રીજો અને બીજો એક ઈસમ મારૂતી સુઝુકી કંપની બ્રેજા ગાડી લઈ આવી સરકારી કર્મચારી વિપુલભાઈનો કોલર પકડી હુમલો કરી ત્રણેય સરકારી કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી રેતી મુખ્યમાર્ગ પર ખાલી કરતા ટ્રાફિક બંધ થઈ ગયો હતો. આ અંગે નાયબ મામલતદારે નસવાડી પોલીસ મથકે ટ્રકમાલિક, ટ્રકચાલક, ટ્રકમાલિકનો ભત્રીજો અને તેની સાથે આવેલ ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.