(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
શનિવારે મળેલી જિલ્લા સંકલન બેઠકમાં સાંસદ દ્વારા ગેરકાયદે તળાવોના મુદ્દે આક્રમક રજૂઆત કરવામાં આવી હતી. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં તેમજ કાંઠા વિસ્તારમાં સરકારી જમીનો ઉપર સેંકડો ઝીંગા તળાવ ગેરકાયદે રીતે બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ડુમસ પાસે તાપી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે રચાયેલ આ વિશાળ બેટ ઉપર પણ સેંકડો ગેરકાયદે તળાવ બનાવી દેવાયા છે. આ ગેરકાયદે ઝીંગા તળાવોને કારણે ઉકાઇમાંથી પાણી જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવે છે ત્યારે અને દરિયામાં ભરતી આવે ત્યારે પાણીના પ્રવાહને પણ અડચણ થાય છે. ડુમસના કાંઠાના ફળિયાઓને પણ તેના ગંભીર પરિણામો ભોગવવા પડી રહ્યા છે. આવા ઝીંગા તળાવને કોઇપણ સંજોગોમાં તાકીદના ધોરણે દૂર કરી દેવા માટેની કામગીરી કરવામાં આવે તેવી માગણી નવસારી લોકસભાના સાંસદ ચંદ્રકાંત પાટીલે કરી હતી.
તદુપરાંત હાલમાં જે ટ્રાફિક પોલીસ સાથે લોકોની ઘર્ષણની ઉપરાછાપરી ઘટનાઓ બની રહી છે તે સંદર્ભે પણ ચર્ચા થઇ હતી. જ્યાં સુધી કોઇ અપકૃત્ય નહીં કરે ત્યાં સુધી ટ્રાફિક પોલીસની કામગીરીનો જો કોઇ વાહન ચાલક કે સામાન્ય નાગરિક વિડીયો ઉતારતો હોય તો તે કોઇ ગુનાહિત કૃત્ય નહીં ગણાય. છેલ્લા કેટલાક સમયમાં આવી રીતે મોબાઇલમાં શૂટિંગ કરતા સામાન્ય નાગરિકો સામે પણ ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે તેને અયોગ્ય ગણાવી હતી.
ઓલપાડ-ચોર્યાસીના ધારાસભ્યો ઝિંગા તળાવના માલિક છે
જિલ્લા સંકલનની બેઠકમાં ગેરકાયદે ઝિંગા તળાવ મુદ્દે આક્રમક રજૂઆત કરનાર સાંસદ ચંદ્રકાંત પાટીલ સામે ચણભણાટ શરૂ થઈ ગયો છે. ચોર્યાસી વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ઝંખના પટેલ અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ગેરકાયદે ઝિંગા તળાવો ધરાવે છે. ઉપરાંત જેમના તળાવો બિનઅધિકૃત છે. એમને પ્રોત્સાહન આપીને તળાવોની સતત સંખ્યા વધારતા રહે છે. આવા સંજોગોમાં ચંદ્રકાંત પાટીલની રજૂઆત બંને ધારાસભ્યોના ધંધા (ગોરખ) પર ગંભીર અસર વર્તાશે.