અમદાવાદ, તા.૨૭
ગૃહ અને કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાથી ૧લી મેથી શરૂ થઇ રહેલ સુજલામ, સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનના અધિકારીઓ સાથે ગૃહ અને કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બેઠક યોજી આયોજનની સ્થળ સમીક્ષા કરી હતી. સુજલામ સુફલામ જળસંચય અભિયાનને પરિણામલક્ષી બનાવવા અમદાવાદ શહેરમાંથી પસાર થતી ખારીકટ કેનાલની સાફસફાઇ સહિતના આયોજનની ઝીણવટપૂર્વક જાણકારી મેળવી હતી તેમજ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ગૃહરાજ્ય મંત્રીએ આજે અમદાવાદ શહેરના મેમ્કો સહિત અન્ય પૂર્વના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલની સફાઈ કરવા ઉપરાંત ગટરના પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે જરૂરી પંપ સહિતની મશીનરી જે તે સ્થળ પર ઉપલબ્ધ રહે, લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે કેમ ? તથા ચોમાસા પહેલાં નિર્ધારિત કરેલા રસ્તાઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય અને પ્રજાલક્ષી સુવિધાઓ સરળતાથી શહેરના નાગરિકોને પ્રાપ્ત થાય તે માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો બાબતે મંડળી રચીને વિવિધ પ્રકારે ખંડણી ઉઘરાવતા અસામાજિક તત્ત્વો સામે રાજ્ય સરકાર કડક હાથે પગલાં લઇ રહી છે ત્યારે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને સખ્ત હાથે ડામી દેવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર સહિત અન્ય વિસ્તારોમાં પૂરતી માત્રામાં પીવાનું પાણી અને ચોમાસા પૂર્વે ગટરની સાફસફાઈ કરવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે અધિકારીઓને નિર્દેશ કર્યો હતો. મંત્રીશ્રીએ સૈજપુર વોર્ડની મુલાકાત લઈ પાણી અને ગટર વ્યવસ્થા તથા લગાવવામાં આવેલા પંપોનું નિરિક્ષણ કરી જાત માહીતી મેળવી હતી. સૈજપુર તળાવનાં દિવાલનું કામ સત્વરે પૂર્ણ કરવા, ઓવર હેડ ટાંકી તથા નળ લગાવવાનું આયોજન સુદ્દઢ રીતે ગોઠવવા સૂચના આપી હતી.