૮ બેઠકો પર ૮૧ ઉમેદવારોનાં ભાવિ EVMમાં સીલ : ૧૦ નવેમ્બરે ભાવિનો ફેંસલો • મુખ્યમંત્રીના પત્ની અંજલિ રૂપાણી ભાજપના કાર્યકરો સાથે ભાજપ તરફી મતદાન કરવા પ્રચાર કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૩
કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. આચાર સંહિતા ભંગની, ગેરરીતિની, બોગસ મતદાનની,ભાજપ તરફે મતદાન કરાવવામાં તથા મતદારોને રૂપિયા આપી મતદાન કરાવવામાં આવતું હોવાની તથા ઇવીએમ અને વીવીપેટ ખોટવાયા હોવાની ફરિયાદો વચ્ચે ૫૮.૧૪ ટકા જેટલું મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન ધારી બેઠક માટે ૪૫.૭૪ ટકા જેટલું તથા ડાંગ બેઠક માટે સૌથી વધુ ૭૪.૭૧ ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે ગઢડામાં ૪૬.૮૬ ટકા, અબડાસામાં ૬૧.૩૧ ટકા, મોરબીમાં ૫૧.૫૮ ટકા, લીંબડીમાં ૫૬.૦૪ ટકા, કરજણમાં ૬૫.૯૪ ટકા અને કપરાડામાં ૬૭.૩૪ ટકા મળી સરેરાશ ૫૮.૧૪ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આજે થયેલા મતદાન બાદ કુલ ૮૧ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું. જેનો ફેંસલો ૧૦મી નવેમ્બરે આવશે.
આજે સવારે સાત વાગ્યાથી રાજ્યની આઠે બેઠકો અબડાસા, મોરબી, લીંબડી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા અને કરજણ બેઠકો માટે ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. ક્યાંક શરૂઆતમાં મતદારોમાં ઉત્સાહ હતો તો, ક્યાંક મતદાન કેન્દ્રો પર કાગડા ઊડતા હતા. જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ મતદાન કેન્દ્રો પર ભીડ જામવા લાગી હતી. આ સાથે જ અનેક સ્થળોએ ભાજપ દ્વારા આચારસંહિતા ભંગ કરવામાં આવ્યો હોવાની કોંગ્રેસે ફરિયાદો કરી હતી.
કરજણ બેઠકના ઈટોલા-ગોસીન્દ્રામાં ભાજપનો કાર્યકર મતદારોને રૂપિયાની વહેંચણી કરતો હોવાનો વીડિયો કોંગ્રેસે વાયરલ કર્યા બાદ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે આ અંગે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં કોંગ્રેસની ફરિયાદ સાચી હોવાનું અને રૂપિયા વહેંચતો યુવાન ભાજપનો કાર્યકર હોવાનું ખુલ્યું હતું. એ જ રીતે કરજણ બેઠકના સાધલી બુથ નંબર ૧૯૮ પર કોંગ્રેસના એજન્ટ અલ્તાફ રંગરેજને કારણ વિના બુથ છોડી ડીવાયએસપી વારંવાર બોલાવતા હોવાની ફરિયાદ પણ કોંગ્રેસે ચૂંટણી અધિકારીને કરી છે.
આ ઉપરાંત મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી ભાજપના કાર્યકર્તાઓ સાથે ફરી ભાજપ તરફી મતદાન કરવા પ્રચાર કરી રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે લીંબડીના ઘેડી ગામે ભાજપના કાર્યકરો બોગસ મતદાન કરાવતા હોવાની કોંગ્રેસે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેકટરને કરી છે.
દરમિયાન વિવિધ મતદાન બુથ પર ઇવીએમ અને વીવીપેટ ખોટવાયા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી. મોરબીના માળિયામાં ૩૫ જેટલી જગ્યાએ ઇવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો મળી હતી, ઉપરાંત મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં મતદાન મથકની અંદર ભાજપની પત્રિકાઓ ફરતી થયાનો વીડિયો વાયરલ થયો હતો, જેની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ગઢડા બેઠક પર એમ.એમ.હાઇસ્કુલમાં ઇવીએમ બંધ થતાં મતદારોએ ઊહાપોહ મચાવ્યો હતો. કરજણ બેઠક પરના મિયાગામ કરજણ, સાપા અને દેથાણ એમ ત્રણ સ્થળોએ ઇવીએમ ખોટવાયા હોવાની ફરિયાદ થઇ હતી. જ્યારે કપરાડામાં કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરવા પહોંચે તે પહેલા ઇવીએમ ખોટવાતા તાત્કાલિક બદલવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારી બેઠક પર ભાજપમાંથી જે.વી. કાકડિયા અને કોંગ્રેસમાંથી સુરેશ કોટડિયા, મોરબી બેઠક પર ભાજપમાંથી બ્રિજેશ મેરજા અને કોંગ્રેસમાંથી જયંતિ જયરાજ, ગઢડા બેઠક પર ભાજપમાંથી આત્મારામ પરમાર તો કોંગ્રેસમાંથી મોહન સોલંકી, લીંબડી બેઠક પર ભાજપમાંથી કિરીટસિંહ રાણા તો કોંગ્રેસમાંથી કેતન ખાચર ઉપરાંત કરજણ બેઠક પર ભાજપમાંથી અક્ષય પટેલ તો કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજા, અબડાસા બેઠક પર ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસમાંથી શાંતિલાલ સંઘાણી, ડાંગ બેઠક પર ભાજપમાંથી વિજય પટેલ અને કોંગ્રેસમાંથી સૂર્યકાંત ગાવિત જ્યારે કપરાડા બેઠક પર ભાજપમાંથી જીતુ ચૌધરી અને કોંગ્રેસમાંથી બાબુ વરઠાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

બેઠક મતદાન (ટકામાં)
ડાંગ                ૭૪.૭૧
કપરાડા           ૬૭.૩૪
કરજણ            ૬૫.૯૪
અબડાસા        ૬૧.૩૧
લીંબડી            ૫૬.૦૪
મોરબી            ૫૧.૫૮
ગઢડા              ૪૬.૮૬
ધારી               ૪૫.૭૪
કુલ                   ૫૮.૧૪