અમદાવાદ, તા.૩૧
ગેસના બોટલ લીકેજ આવતા હોવાની સરેરાશ ૩૦૦થી વધુ ફરિયાદો આવતી હોવા છતાં તંત્ર સમયસર પગલાં ભરતું નથી જેના લીધે લીકેજ ગેસની બોટલોના કારણે આગના બનાવો બનતા હોય છે. ત્યારે ગ્રાહકોના જાનમાલની સુરક્ષા માટે ટેસ્ટીંગ કરીને ગેસની બોટલો આપવા માટે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને ઓઈલ કંપનીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને ગુજરાતના એલપીજી કનેકશનધારક ગ્રાહકોને ઓઈલ કંપનીઓ અને ગેસ એજન્સીઓ આડેધડ લીકેજ ગેસના બાટલા સપ્લાય કરે છે. ગ્રાહકલક્ષી સરકારી પરિપત્રો અને નિયમો કાગળ ઉપર રહે છે. ઓઈલ કંપનીઓ અને ગેસ એજન્સીઓ ગ્રાહકોને ટેસ્ટીંગ કર્યા વગર લીકેજ સિલિન્ડરોનું વેચાણ કરી બેદરકારી દર્શાવે છે. ગ્રાહકોના પરિવાર સાથે જીવલેણ ચેડાં કરવામાં આવે છે. અત્યારસુધી દેશભરમાં હજારો ગ્રાહકોએ આગ-અકસ્માતના બનાવમાં ઘરવખરી ગુમાવી છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ સરકાર, ઓઈલ કંપનીઓ અને ગેસ એજન્સીઓના સંચાલકો બોધપાઠ લેતા નથી. ગ્રાહકોના રસોડા સુધી કોઈપણ સંજોગોમાં ઓછા વજનના અને લીકેજ સિલિન્ડર પહોંચવા જોઈએ નહીં. અત્યારે સરેરાશ ગેસ લીકેજની ૩૦૦થી વધુ ફરિયાદો આવે છે. તંત્ર સમયસર પગલાં ભરતું નથી. ડીજિટલ વજનકાંટાથી બાટલો તોલીને આપવામાં આવતો નથી. ૧૪.ર૦૦ કિ.ગ્રા. સિલિન્ડરમાંથી ૩થી ૪ કિલો ગેસની ચોરી કરી ગેસ કાઢી લઈને વેચાણ કરવામાં આવે છે. રના ૩ બાટલા કરવામાં આવે છે. ઓઈલ કંપની, પુરવઠા વિભાગ અને કાનૂની માપવિજ્ઞાન તંત્ર કસૂરવાર છે.
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ પાસે ૩૦૦ ઝૂંપડાઓ ગેસ લીકેજના કારણે રપ સિલિન્ડરો ફાટવાથી ભયાનક આગમાં સળગી ગયા. ઓઈલ કંપનીઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓની રહેમ નજર તળે સબસિડીવાળા રૂા.પ૦૦ના ગેસના બાટલા ખુલ્લેઆમ રૂા.૮૦૦થી ૧૦૦૦માં કાળાબજારમાં વેચાણ થાય છે. અનેક સ્થાપિત હિત ધરાવતા તત્ત્વો દુકાનો અને ગોડાઉનોમાં તમામ કંપનીઓના પ૦થી ૧૦૦ સિલિન્ડરોનો જથ્થાનો સ્ટ્રોક એક્સપ્લોઝીવ લાયસન્સ વગર ગેરકાયદેસર રાખી વેચાણ કરે છે. ગેસની બોટલના કાળાબજાર બંધ કરવા સરકારે ૩ વર્ષ અગાઉ મોબાઈલ ફોન ઉપર રિફિલ બુકિંગ કર્યા બાદ ગ્રાહકના ખાતામાં જ સબસિડી જમા થાય તેવી સ્કીમ બનાવેલ. પરંતુ કાળાબજાર વિષયક બેરોકટોક ચાલુ છે. ત્યારે મુકેશ પરીખે મુખ્યમંત્રી અને ઓઈલ કંપનીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ગ્રાહકોના જાનમાલની સુરક્ષા માટે ટેસ્ટીંગ કરીને તેમજ તોલમાપની બેફામ છેતરપિંડીથી બચાવવા ડીજિટલ વજનકાંટાથી તોળીને સિલિન્ડરો સપ્લાય કરવા તાકીદ છે. કાળાબજાર અટકાવવા ઉગ્ર ઝુંબેશ કરવા રજૂઆત છે નહીં તો ગ્રાહક સુરક્ષાના કાર્યકરો ગ્રાહક સત્યાગ્રહ શરૂ કરશે.