સચિન પાયલટ જૂથ વિરૂદ્ધ પગલાં અંગેની સ્પીકરની નોટિસ પર હાઇકોર્ટે જૈસે થેની સ્થિતિ જાળવી રાખતાં અશોક ગેહલોત વિધાનસભા સત્ર બોલાવવાની
માગ સાથે રાજ્યપાલને મળ્યા, રાજ્યપાલે સત્ર બોલાવવાનો ઇન્કાર કરતાં રાજભવન બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ ધરણા અને નારેબાજી કરી

હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની સચિન પાયલટની માગ પણ ગ્રાહ્ય રાખી, હવે રાજસ્થાનના
રાજકીય ખેલમાં કેન્દ્ર સરકારની પણ એન્ટ્રી થશે, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સૌની નજર

અમને વિશ્વાસ છે કે રાજ્યપાલ કોઇના દબાણમાં આવ્યા વિના સત્ર બોલાવવા અંગે નિર્ણય લેશે, જો રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય નહીં કરે તો સમગ્ર રાજ્યના લોકો રાજભવનનો ઘેરાવ કરશે જે માટે અમે જવાબદાર રહીશું નહીં : અશોક ગેહલોત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
રાજસ્થાનની રાજકીય કટોકટી વધુ ઘેરાતી જઇ રહી છે. સચિન પાયલટ જૂથની સામે સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી કોઇ પગલાં નહીં લેવાની હાઇકોર્ટના ટકોર બાદ અશોક ગેહલોતે વિધાનસભા સત્ર બોલાવવાની માગ સાથે રાજ્યપાલ કલરાજ મિશ્રની મુલાકાત લીધી હતી. જોકે, રાજ્યપાલે કોરોના સંકટનો હવાલો આપી વિધાનસભા સત્ર બોલાવવાનો ઇન્કાર કરતા કોંગ્રેસી ધારાસભ્યો રાજભવન બહાર જ ધરણા પર બેસી ગયા હતા. બીજી તરફ સ્પીકરે સચિન પાયલટ જૂથને અયોગ્ય ઠેરવવાની આપેલી નોટિસ પર હાઇકોર્ટે હાલપૂરતી રોક લગાવી છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજભવન બહાર વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કર્યાના થોડીવારમાં જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, વિધાનસભા સત્ર બોલાવવા માટે નિર્ણય લેવામાં રાજ્યપાલ કલરાજ મિશ્ર કોઇના દબાણમાં નહીં આવે તેવી આશા છે. રાજભવન બહાર તેમણે જણાવ્યું કે, જો તેઓ પોતાની બંધારણીય ફરજો નિભાવે તો આ બાબત ઇતિહાસના પાનાઓમાં કંડારાશે. પત્રકારોને સંબોધિત કરતા ગેહલોતે કહ્યું કે, અમે ૧૦૨ ધારાસભ્યોના સમર્થનવાળી યાદી રાજ્યપાલને આપી છે. અમારી સ્પષ્ટ બહુમતી છે અને સોમવારથી વિધાનસભા સત્ર શરૂ કરવાની માગણી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું કે, જો કોરોના વાયરસની દલીલ અપાતી હોય તો અમે કોરોના ટેસ્ટ કરાવવા તૈયાર છીએ. અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાજ્યપાલ જો વિધાનસભા સત્ર નહીં બોલાવે તો સમગ્ર રાજ્યની જનતા રાજભવનનો ઘેરાવ કરશે અને તે માટે અમે જવાબદાર રહીશું નહીં. સરકાર ઉથલાવવાના મામલે રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલી વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં કોંગ્રેસના બળવાખોર સચિન પાયલટ જુથને હાઇકોર્ટ તરફથી આજે શુક્રવારે વધુ રાહત મળી છે. હાઇકોર્ટે વિધાનસભાના સ્પીકર સીપી જોષીએ બળવાખોરોને આપેલી કારણદર્શક નોટિસ પર રોક લગાવીને જૈસે થે (સ્ટેટસ ક્વો)ની સ્થ્તિ જાળવી રાખવા આદેશ આપીને કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની પાયલટ જુથની અરજીને પણ માન્ય રાખતા કોંગ્રેસની આ આંતરિક રાજકીય અને કાયદાકિય લડાઇમાં હવે કેન્દ્ર સરકારની એન્ટ્રી થાય તેમ છે. એક રીતે જોતાં સ્પીકરને અને ગેહલોતને આંચકો લાગ્યો છે. મામલો હવે સુપ્રિમ કોર્ટમાં જાય તેમ છે. રાજસ્થાન સીએમનુ કહેવુ છે કે, ઉપરથી દબાણ હોવાના કારણે રાજ્યપાલ વિધાનસભા સત્ર નથી બોલાવી રહ્યા. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે બહુમતી છે વિધાનસભામાં સમગ્ર હકીકતનો ખુલાસો થઇ જશે. અગાઉ અયોગ્યતા નોટિસ પર ૨૧ જુલાઈએ હાઈકોર્ટે તેનો ચુકાદો ૨૪ જુલાઈ સુધી અનામત રાખ્યો હતો. સ્પીકર સીપી જોશીને કહેવામાં આવ્યું હતું કે તેઓ ત્યાં સુધી આ ધારાસભ્યોની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે. જોકે સ્પીકર જોશીએ હાઈકોર્ટના આ ચુકાદાને પડકારીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે સ્પીકરને રાહત આપવાથી ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. જોકે આ ચુકાદો એ બાબત પર નિર્ભર રહેશે કે સ્પીકરની અરજી પર ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટ કેવું વલણ દાખવે છે. વિધાનસભાના સ્પીકર જોષીએ કોંગ્રેસના પાયલટ સહિત અન્ય ૧૮ જેટલા બળવાખોર ધારાસભ્યોને તેમને ગેરલાયક કેન ન ઠેરવવા એવી આપેલી કારણદર્શક નોટિસને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં પાયલટ જુથને અગાઉ રાહત મળ્યા બાદ આજની સુનાવણીમાં હાઇકોર્ટ પાયલટ કેમ્પની નોટિસ અરજી પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. યથાસ્થિતિ આદેશ બાદ હવે કોઈ પણ પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. હવે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટને આધીન રહેશે.