ગાંધીનગર, તા.૭
રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે કિસાનોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરી છે. આ ખરીદાયેલ મગફળીના સંગ્રહ માટે ગોંડલ ખાતેના ગોડાઉનમાં અકસ્માતે આગનો બનાવ બન્યો હતો અને રૂા.ર૧.૪૧ કરોડથી વધુ રકમની મગફળીના જથ્થાનો નાશ થયો છે. આ સંદર્ભે રાજ્ય સરકારે તપાસ માટે સીટની રચના કરી છે. સાથે સાથે સ્થાનિક કક્ષાએ પ્રાંત અધિકારીશ્રીને પણ મેજિસ્ટ્રેરીયલ ઈન્કવાયરી સોંપવામાં આવી છે. જેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તપાસ દરમ્યાન ગુનામાં સંડોવાયેલ છ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. ગુનામાં બીજા કોઈની પણ બેદરકારી હશે તો કોઈને પણ છોડવામાં આવશે નહીં. આ માટે વિવિધ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. એમ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગોંડલના આ ગોડાઉનમાં લાગેલ આગ સંદર્ભે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ગોડાઉન બહારથી નમૂના લઈ તપાસ ચાલુ છે. મગફળીમાંથી નિકળતા તેલને કારણે આગ ગોડાઉનમાં ચાલુ હોઈ, સંપૂર્ણપણે આગ ઓલવાઈ જાય ત્યારબાદ ફોરેન્સીક સાયન્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે. ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ન બને તે માટે રાજ્યમાં આવેલા મગફળીના ગોડાઉનોમાં સી.સી.ટીવી કેમેરા, ચોકીદાર, ફાયરસેફટી અંગેના સાધનો દ્વારા સલામતી અંગેનું ફાયરસેફટી ઓડિટ કરવા અંગે પણ સંબંધિત કલેકટરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.