(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર બિલિયાળાના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળતા ત્રણ મહિલાઓ કારમાં જ ભડથું થઈ ગઈ હતી. જયારે એક પુરૂષ ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ કારમાં આગ લાગ્યા બાદ બોંબ વિસ્ફોટ થયો હોય તેવો મોટો ધડાકો થયો હતો.
બનાવની સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર શનિવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કપાસ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં જ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ લાગતાં કારમાં સવાર ૩ મહિલા ભડથું થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ગોંડલ નગરપાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ અને ફાયર લાશ્કરોએ ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાઓ ગંભીર રીતે દાઝી જતા ભડથું થઈ ગઈ હતી અને ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.જેમા રેખાબા ભીખુભા જાડેજા (ઉં.વ.૬૨), રસીકબા કિશોરસિંહ રાયજાદા (ઉં.વ.૮૦) અને મુકુંદબા મહેશસિંહ રાયજાદા (ઉં.વ.-૪૫)નો સમાવેશ થાય છે. જ્યારે આગની ઘટનામાં મહેશસિંહ ગંભીર રીતે દાઝી ગયા છે. ગોંડલના ડેરા શેરીમાં રહેતા મહેશસિંહ રાયજાદા તેમના પત્ની મુકુંદબા અને રસિકબા તથા રેખાબાને સાથે લઈને સુરેન્દ્રનગર તાલુકાના ખેરાડી ગામે ખરખરા જવાં નીકળ્યા હતાં. પરંતુ ગોંડલમાંથી પસાર થતાં જ અકસ્માત થયો હતો. અકસ્માતમાં મહેશસિંહ ગંભીર રીતે દાઝ્યા હોય તેઓ એક જ કારમાંથી બહાર નીકળી શક્યા હતાં. જ્યારે પાછળ બેઠેલા ત્રણ મહિલાઓ બહાર ન નીકળી શકતા કારમાં જ બળીને ખાખ થઈ ગયા હતા. ત્રણે મૃતદેહોને પ્રથમ ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયા હતા.