(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ખાતે સહયોગ પાવરલુમ્સના ગોડાઉનમાંથી જપ્ત કરેલો મુદ્દામાલની છળકપટથી ચોરી કરી ફરાર થઇ ગયો હોવાનો બનાવ આરોપી સામે નોંધાતા ચોકબજાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ પાટીયા ગાયત્રી સોસાયટી ખાતે અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડીયા રહે છે. ગત તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યની ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમના ડીટેકશન પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. મિશ્રાએ વેપારી અને ફરિયાદી દર્શન નીતિનભાઈ પારેખની ફરિયાદના આધારે આરોપી અબ્દુલરબ અબ્દુલ કાદીર ચામડીયા તથા અન્ય ભાગીદારો સામે ચોકબજાર પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટની ફરિયાદ દાખલ કરી સહયોગ પાવર લુમ્સનો મુદ્દામાલ ૧.૭૩ કરોડનો સીલબંધ રાખવામાં આવ્યો હતો અને ગોડાઉન ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ગોડાઉનના પાછળના ભાગેથી અબ્દુલ રબ કાદીર ચામડીયા અને તેમના સાથી મિત્રોએ ગોડાઉનમાં પ્રવેશ કરી ઇમ્પોર્ટેડ વસ્તુઓનો માલ સગેવગે કર્યો હોવાનું માલુમ પડતાં આરોપી સામે ચોક પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો હતો.