ડીસા, તા.૨
પંજાબના સંગરૂર જિલ્લાના લહેરા રોડ પર આવેલી એસડી સોલવેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાસડેરીના કાતરવા અને પાલનપુર બનાસ ડેરી ખાતે આવેલા કેટલફીડ પ્લાન્ટમાં કાચો માલ પુરો પાડી રહી છે. કંપની દ્વારા બનાસડેરી જે માલ રિજેક્ટ કરે તે માલ સાચવવા ડીસાના ભોંયણ નજીક ગોડાઉન ભાડે રાખી ગોડાઉન માલિકની હિતેષ જવાનજી ઠાકોર અને પ્રવીણભાઈ પાચાભાઈ રબારીના ગોડાઉનમાં સાચવવા મૂકતા હતા. કંપની તેઓને માલ ઉતારવાના ટ્રક દીઠ રૂ.૬૦૦૦ કમિશન આપતી હતી. જેમાં કંપની દ્વારા ગત તા ૩૦/૪/૨૦૧૭થી તા.૧૦/૭/૨૦૧૭ સુધી કુલ ૩૮૮૬.૮૦ કવિન્ટલ કાચોમાલ કિંમત રૂપિયા ૪૩,૬૧,૧૨૬નો ગોડાઉનમાં ઉતાર્યો હતો. જે કાચા માલમાંથી ગોડાઉન માલિકો હિતેશ ઠાકોર અને પ્રવીણ રબારીએ કંપનીને ૧૧૨૮ કવિન્ટલ કિંમત રૂા.૧૨,૪૦,૦૨૯ જેટલો માલ કંપનીના કહેવાથી પાછો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ કંપનીએ બાકી વધેલા ૨૭૫૮.૬૦ ક્વિન્ટલ માલ કિંમત રૂા.૩૦,૪૪,૪૬૦નો કાચો માલ પરત માંગતા બંને ગોડાઉન માલિકોએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી તે માલ પરત ન કરી કંપની સાથે છેતરપિંડી કરી હતી. આ બાબતે કંપનીના હેડ સુપરવાઇઝર ધનજીતદાસ બલજીતદાસ બૈરાગીએ ડીસા તાલુકા પોલીસ મથકે બંને ગોડાઉન માલિકો હિતેશ જવાન ઠાકોર અને પ્રવીણ પાચાભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.