(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
ગોત્રી મેડીકલ કોલેજનાં તબીબી વિદ્યાર્થી દેવકિશનના પ્રકરણમાં વિદ્યાર્થીને શોધી કાઢવા માંગણી સાથે શહેર-જિલ્લાની મેડીકલ કોલેજો વિદ્યાર્થીઓએ આજે સયાજી હોસ્પિટલથી જંગી રેલી કાઢી જિલ્લા કલેકટરના આવેદન પત્ર આપ્યું હતું. પ્રાપ્ત થતી વિગત અનુસાર ગોત્રી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો અને સુરતના કામરેજ ખાતે રહેતો દેવકિશન કાતરીયા કોલેજનાં તબીબ પ્રોફેસરો સામે વેરભાવ રાખી ઇરાદાપૂર્વક નાપાસ કરવામાં આવ્યો હોવાનાં આક્ષેપો સાથે બે પાનાની ચિઠ્ઠી લખી રહસ્યમય રીતે છેલ્લાં પાંચ દિવસથી ગુમ થઇ ગયો છે. જેથી દેવકિશનનાં પરિવારજનો તથા સંબંધીઓ અત્રેની વડોદરાનાં મેડીકલ કોલેજ ખાતે કોલેજના મેનેજમેન્ટ સામે આક્રોશ બતાવી છેલ્લાં ચાર દિવસથી ધામા નાખી વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે. પુત્ર ગુમ થયાની રજુઆત રાજ્યનાં મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડી હતી. વિદ્યાર્થી ગુમ થઇ ગયાનાં બનાવમાં પોલીસ હજુ સુધી વિદ્યાર્થીને શોધી શકી નથી. જેથી આજે શહેર જિલ્લાની ચાર જેટલી મેડીકલ કોલેજોના વિદ્યાર્થીઓએ સયાજી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જેમાં ગોત્રી મેડીકલ કોલેજ, બરોડા મેડીકલ કોલેજ, સાવલી-વડોદરા હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ બપોરે ૧૨ વાગે સયાજી હોસ્પિટલનાં પ્રાંગણામા ભેગા થયા હતા. જ્યાંથી રેલી સ્વરૂપે તેઓ નિકળ્યા હતા અને કોઠી-કચેરી બિલ્ડીંગ સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી જઇ કલેકટર પી. ભારતીને આવેદનપત્ર આપી વિદ્યાર્થીને શોધી કાઢવા રજૂઆત કરી હતી.