(સંવાદદાતા દ્વારા) ગોધરા, તા. ૧૫
ગોધરાના ખાડી ફળિયામાં દોઢ દાયકાથી વસવાટ કરતાં મુસ્લિમ પરિવારને તેની માલિકીનું મકાન બાંધવા ના દઈ કેટલાક માથાભારે તત્ત્વો હેરાન પરેશાન કરે છે. તેઓના મકાનનું કાયદેસરનું બાંધકામ અટકાવી તોડી પાડી, અહીંથી ચાલ્યા જાવ નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપવા છતાં પોલીસ માથાભારે તત્ત્વો સામે કોઈ કાર્યવાહી કરતી ન હોવાની પીડિત મદારી પરિવારે લાગણી વ્યક્ત કરી છે. આ મામલે જિલ્લાના ઉચ્ચ સત્તાધિશોને રજૂઆત કરી છે. તેમજ બાંધકામ માટે પોલીસ બંદોબસ્તની માગણી કરી છે તે ક્યારે મળશે ? તેની રાહ જોઈ રહ્યા છે.
ગોધરાના નાડિયાવાસ, ખાડી ફળિયામાં રહેતા સાબેરાબીબી મો.હનીફ મદારીએ જિલ્લા કલેકટર તથા પેાલીસ વડાને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગોધરા કસ્બાના સ.નં.૮૬૭/ર પૈકી ૧ વાળી જમીનમાં સાબેરાબીબી સહિત તેમનો પરિવાર ૧૯૯૮થી મકાન બાંધીને વસવાટ કરે છે દરમ્યાન ખાડી ફળિયાના કેટલાક માથાભારે ઈસમોની ખોટી રજૂઆતને પગલે પાલિકાએ તેમની માલિકીની જગ્યાએ બાંધેલ મકાન તોડી પાડ્યું હતું. ત્યારબાદ લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ નગરપાલિકાને તેની ભૂલ સમજાતા ર-૧૧-૧૭ના પત્રથી બાંધકામની પરવાનગી આપી હતી. જેના પગલે મહિલા સશક્તિકરણના દોરમાં સાબેરાબીબી મદારીએ પોતાનું ઘર બાંધવાનો પ્રારંભ કર્યો હતો. તે વેળાએ ખાડી ફળિયાના રાજેશ શર્મા, સુરેશ બારિયા, મુન્ના પ્રેમચંદ સહિત બીજા ર૦થી રપ વ્યક્તિઓએ આ પરિવારને બાંધકામ ન કરવા ધમકી આપી અહીંથી ચાલ્યા જાવ નહીં તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જેના પગલે ૩૦-૧ર-૧૭ના રોજ નગરની સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે માટે સ્થાનિક પોલીસ તંત્ર તથા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી બાંધકામનો પ્રારંભ કર્યો હતો.
ત્યારબાદ મકાનનું બાંધકામ ચાલુ હતું અને જમીનથી ૧૦ ફૂટ સુધી દીવાલોનું ચણતર થયું હતું. ત્યારે તા.ર૧-૧-૧૮ના રોજ રાત્રે ૯ઃ૩૦ વાગે રાજેશ શર્મા, સુરેશ બારિયા ! મુન્ના પ્રેમચંદ, પાલિકાના કાઉન્સિલર સંતોષ ભુરિયા, નટવર બારિયા, અશોક મારવાડી, મનોજ વાળા, નાડિયા ગોકુલેશ, ફન્ટુુસા સહિતના ર૦૦ જેટલા માણસોનું ટોળું તલવાર, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે ધસી આવ્યું હતું. જે ગાળો બોલી પથ્થરમારો કરતા અને મારો-કાપોની બૂમો પાડતા હતા. જેથી મયભીત બની મારો સમગ્ર પરિવાર ત્યાંથી જીવ બચાવવા પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ ટોળાએ હુમલો કરી બાંધકામ તોડી પાડ્યું હતું. તેમજ ત્યાં રહેલ બે બાઈકોને નુકસાન કર્યું હતું. જે અંગે ત્વરીત પોલીસને જાણ કરી હતી. પોલીસે દોડી આવી ટોળાને વિખેર્યું હતું.
તે જ રાત્રે બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવવા ગયા હતા. પરંતુ પોલીસે આનાકાની બાદ ધમકી ધર્યા શબ્દો ઉચ્ચારી સમાધાન કરી લેવા જણાવ્યું હતુંં.
આમ ગોધરાના નાડિયાવાસમાં માલિકીની કાયદેસરની જગ્યામાં મુસ્લિમ પરિવારને મકાન ન બાંધવા દઈ રાજકીય વગના જોરે લઘુમતી પરિવારને હેરાન કરવામાં આવે છે અને ‘મે આઈ હેલ્પ યુ’ના બોર્ડ મારતી પોલીસ ‘હેલ્પ’ કરવાના બદલે ‘હેલ્પલેસ’ બની જતી હોવાની અસરગ્રસ્ત પરિવાર પ્રતિતી કરી રહ્યું છે. આ મામલે સાબેરાબીબીના પરિવારે મકાન બાંધકામ માટે પોલીસ બંદોબસ્ત માંગ્યા હોવા છતાં પોલીસ તંત્ર આંખ આડા કાન કેમ કરે છે ? જિલ્લા પોલીસ વડા તથા કલેકટર ન્યાયિક કાર્યવાહી કરી લઘુમતી-મુસ્લિમ પરિવારની વહારે આવે તેવી લાગણી અને માગણી વ્યાપક બની છે.