(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩
ગોધરાના ૭૮ વર્ષીય વૃદ્ધનું વડોદરાની ખાનગી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરોના વાયરસથી મોત થયું હતું. બે દિવસ પહેલાં જ આ વૃદ્ધનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવતે વૃદ્ધના કોરોના વાયરસથી મોતની પુષ્ટી કરી છે. બીજી તરફ વડોદરામાં કોરોનાથી મૃત્યુ પામેલ પર વર્ષના પુરૂષના પુત્ર અને પુત્રવધુના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે ત્રીજો રિપોર્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને રજા આપવામાં આવશે. આ ઉપરાંત મૃતકના પત્ની અને દીકરીની પણ કોરોના વાયરસની સારવાર ચાલી રહી છે. ગોધરાના વેજલપુર રોડ પાણીની ટાંકી પાસે રહેતા ૭૮ વર્ષીય વૃદ્ધ અબ્દુલ પટેલને કોરોના વાયરસના લક્ષણો દેખાતા વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં અવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા વડોદરાના બહુચરાજી રોડ માતરિયા કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો અને તેમના સગા સંબંધી સુધી આ વાત પહોંચતા તેના કારણે ટોળુ એકત્ર થયું હતું. તેમની દફનવિધિ ગોધરા ખાતે કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. પરંતુ વહીવટી તંત્ર અને પોલીસે સમય સૂચકતા અને સમજણથી કામ લઈ સ્થાનિક રહીશોને સમજાવ્યા હતા. ત્યારબાદ મૃતકની દફનવિધિ માતરિયા કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી.