અમદાવાદ, તા. ૬
ગોમતીપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ધાબે સુતેલી એક મહિલા પાસે પાડોશી યુવક પહોંચ્યો હતો. તેને ઊંઘમાંથી ઉઠાડી પાડોશી યુવકે બોલાવી હતી. પણ તે ન જતા યુવક તેની પાસે આવીને સુવા લાગ્યો અને જબરદસ્તી કરવા લાગ્યો હતો. જોકે, મહિલાએ આનાકાની કરતા યુવક આવેશમાં આવી ગયો અને લાફા મારીને માથામાં પથ્થર મારીને ભાગી ગયો હતો.
ગોમતીપુરમાં આવેલી એક ચાલીમાં રહેતી ૨૮ વર્ષીય મહિલાનો પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગરમી વધુ હોવાથી મહિલાનો પતિ પાડોશમાં આવેલા ધાબે ઊંઘવા માટે જાય છે. શનિવારની રાત્રે મહિલા તેના પતિ અને બાળકો સાથે પાડોશીના ધાબે સુવા ગઈ હતી. ત્યારે વાળંદની દુકાન વાટે થઈને જોગેન્દ્રસિંહ ધાબે આવ્યો હતો.
રાત્રે જોગેન્દ્રસિંહએ ઈશારો કરીને મહિલાને પોતાની પાસે સુવા બોલાવી હતી. જોકે મહિલા ગઈ ન હતી. જેથી જોગેન્દ્રસિંહ પોતે મહિલાની પથારીમાં જઈને સૂઈ ગયો અને બિભત્સ માંગણીઓ મહિલા પાસે કરવા લાગ્યો હતો.
આ દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા જ જોગેન્દ્રસિંહ આવેશમાં આવી ગયો અને મહિલાને લાફા મારીને માથામાં પથ્થર મારીને ફરાર થઈ ગયો હતો. ગોમતીપુર પોલીસને આ બાબતે જાણ કરતા જ પોલીસે જોગેન્દ્રસિંહ સામે ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.