મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખે જાતે જઈ પાણીની ટાંકીઓ ચેક કરતા બેદરકારી છતી થઈ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજના ભાગરૂપે ગટર, પાણી, સાફસફાઈ, કચરાનો નિકાલ જેવી કામગીરી કરે છે અને તેની ફરજ પણ છે. પરંતુ લઘુમતી, પછાત અને ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો કે કાઉન્સિલરો ચૂંટાયા હોય તેવા વિસ્તારમાં પ્રાથમિક સમસ્યાનો નિકાલ કરવામાં જાણીબુઝીને સમસ્યા વકરવા દેવાય છે અથવા તો વિલંબથી કામ કરવામાં આવે છે જેથી ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓને પ્રજાના રોષનો ભોગ બનવું પડતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
ગોમતીપુર વોર્ડની જ વાત કરીએ તો આ વિસ્તારમાં વર્ષોથી ગટર, પાણી, રસ્તાની કે સાફસફાઈની સમસ્યા છે. આથી સ્થાનિક કાઉન્સિલરોને આ સમસ્યાના નિવારણ માટે અવારનવાર રજૂઆતો, દેખાવો કે ધરણાં કરવાની ફરજ પડે છે. ગોમતીપુરના વોર્ડની વિવિધ ચાલીઓમાં ઓછા પ્રેશરથી આવતા પાણીની અને પ્રદૂષિત પાણીની તથા ઓછું પાણી આવતું હોવાની ગંભીર સમસ્યા છે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર ઈકબાલ શેખના જણાવ્યા મુજબ અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પાણીના પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. આથી પમીએ સવારે પાણી આપવાના સમયે મેં ગોમતીપુરની તમામ પાણીની ટાંકીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. જેમાં રાસ્કા અને કોતરપુર વોટર વર્કસ ખાતેથી જે પુરવઠો આપવામાં આવે છે તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આથી ઓવરહેડ અને અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓ પૂરતા પ્રેશરથી ભરાતી નથી. આ પાણી વિસ્તારમાં પૂરું પાડવામાં આવે ત્યારે પ્રેશર ખૂબ જ ઓછું હોવાથી પાણી અત્યંત ગંદુ અને પ્રદૂષિત આવે છે જે પીવાની વાત તો દૂર વપરાશમાં પણ ન કામ આવે.
મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખએ મ્યુનિસિપલ કમિશનરને ગોમતીપુર વિસ્તારની ત્રણ ડઝન જેટલી ચાલીઓના નામ સાથેનું લિસ્ટ આપ્યું છે કે જ્યાં પાણીની સમસ્યા છે.
મ્યુનિ. કાઉન્સિલરે જાત નિરીક્ષણમાં જોયેલી વિગત મુજબ પાણીની ટાંકીઓના ફ્લોમીટર અને સ્કાડા યંત્ર દ્વારા દર્શાવતા મીટરમાં વિસંગતતા જોવા મળી છે. પાણીની ટાંકીઓના પંપની ક્ષમતા તદ્દન ઘટી ગઈ છે. ઉપરાંત મોટી યાંત્રિક ખામીઓ હોવાથી પાણીની સમસ્યા વિકરાળ બની છે. સુખરામનગર અને હાથીપાઈ ખાતેની પાણીની ટાંકીનું લેવલ ગેજ જ ન હોવાથી ટાંકીમાં પાણીની ક્ષમતા જાણી શકાતી નથી. આથી તજજ્ઞો દ્વારા આની ઝીણવટપૂર્વક તપાસ કરાવી પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં અને પાણી આપવાના સમયમાં બે કલાકનો વધારો કરવા તેમણે માંગ કરી છે.