(એજન્સી) ગોરખપુર, તા. ૧૧
આઠ મહિના પહેલા ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં સર્જાયેલી ૩૦૦ બાળકોના મોતની કરૂણાંતિકાને પગલે ગયા વર્ષે ઓગસ્ટમાં ડોક્ટરો તથા અન્ય સ્ટાફ સભ્યોની ધરપકડ કરાઇ હતી તેમને છોડી મુકવા માટે ઇન્ડિયન મેડીકલ એસોસિએશને એકતા દેખાડી પ્રબળ માગ કરી છે. આઇએમએએ જેલમાં રખાયેલા ડોક્ટરોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા એક પત્રકાર પરિષદ બોલાવી તેમને મુક્ત કરવા માગ કરી હતી. જેલમાં તેમના પર ગુજારાતા ત્રાસ અંગે પણ એસોસિએશને ચિંતા વ્યક્ત કરી હતી અને વહીવટીતંત્રનું ષડયંત્ર ગણાવ્યું હતું. આઇએમએના સચિવ ડો. આરપી શુક્લાએ કહ્યું કે, ઓગસ્ટ ૨૦૧૭માં ઓક્સિજન પુરવઠો ખુટી જવાની ઘટના બની તે બાદ અમારા સાથી ડોક્ટરો રાજીવ મિશ્રા, સતિશકુમાર અને કફીલ ખાનને ભારે કલમો લાદી જેલમાં પુરી દેવાયા હતા પણ અમને આ ઘટનામાં કોઇ આશ્ચર્યજનક વાત લાગતી નહોતી. પણ હવે અમને માહિતી મળી છે કે, ડોક્ટરોને જેલમાં પ્રતાડિત કરાય છે, તેમના જામીન રદ કરી દેવાયા છે અને તેમને યોગ્ય સ્વાસ્થ્ય સારવાર મળી રહી નથી. અમને આમાં ષડયંત્રની ગંધ આવે છે. જો રાજ્ય સરકાર એવું નથી માનતી કે ઓક્સિજન પુરવઠો ખુટી જવાને કારણે બાળકોના મોત નથી થયા તો તેણે જવાબ આપવો જોઇએ કે ડોક્ટરોને શા માટે જેલમાં ગોંધી રખાયા છે. આવા કેસોમાં ડોક્ટરો પાસે ઘણી ઓછી સત્તા હોય છે.