(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
ગોરવા વિસ્તારની સગીરાને ભગાડી જનાર યુવાન સામે સગીરાના પિતાએ જવાહરનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપી હોવા છતાં તેમજ આરોપી યુવાનની તમામ માહિતી પણ પોલીસ અધિકારીને આપી હોવા છતાં છેલ્લા ૨ માસથી પોલીસે આરોપી સામે કોઇ પગલાં નહીં ભરતા આજે કિશોરીના માતા-પિતા સહિત કર્મશીલોએ જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને રજૂઆત કરી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર, ગોરવા વિસ્તારના ગંગાનગરમાં રહેતા આરીફભાઇ મલેકની સગીરવયની દીકરીને ગત તા.૭મી ડિસેમ્બરના રોજ હર્ષદ ભાવસાર નામનો યુવાન અપરહરણ કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે આરીફભાઇએ ગત તા.૧૨મી ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપીની તમામ માહિતી અને વિગતો કિશોરીના પિતાએ પોલીસને આપી હતી. છેલ્લા બે માસ ઉપરાંતનો સમય થઇ ગયો હોવા છતાં પોલીસ આરોપી કે, કિશોરીને શોધી શકી નથી. કિશોરીના માતા-પિતા ભારે વેદના અનુભવી રહ્યા છે તેમ છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી. આટલા ગંભીર ગુનામાં પણ પોલીસનું વલણ બેદરકારીભર્યું હોઇ, જેથી આજે કિશોરીના માતા-પિતા સહિત કર્મશીલ શોકત ઇન્દોરી સહિતના અગ્રણીઓએ જવાહરનગર પોલીસ મથકમાં પહોંચી આરોપીને પકડી પાડવા અને કિશોરી તેના માતા-પિતાને સોંપવા પો.ઇ. રાઠોડને રજૂઆત કરી હતી.