(એજન્સી) પણજી, તા.૨
ગત ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલા કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, એવામાં ગોવાને ગઈકાલ (ગુરૂવાર)થી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અહીં ૨૫૦ હોટલોને ગુરૂવારથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ સાથે જ ગોવામાં ફરવા માટે આવનારા દરેક પ્રવાસીઓએ તેમની સાથે કોરોના વાયરસનો નેગેટિવ રિપોર્ટ લઈને આવવાનું રહેશે.
ગોવાના પર્યટન મંત્રી એમ અજગાંવનકરે જણાવ્યું હતું કે, ગુરૂવારથી ગોવાને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ સાથે જ અહીંની ૨૫૦ હોટલોને ખોલવાની પરવાનગી પણ આપવામાં આવી છે. આવી હોટલોમાં પ્રી-બુકિંગની મંજૂરી પણ આપવામાં આવી છે. જો કે, ગોવામાં પ્રવેશ કરનારા દરેક પ્રવાસીઓએ ૪૮ કલાકની અંદર આવેલા કોરોના વાયરસના નેગેટિવ રિપોર્ટને સાથે લઈને આવવાનું રહેશે અથવા તો અનિવાર્ય સંજોગોમાં કોરોના વાયરસનું પરીક્ષણ ફરજીયાતપણે ત્યાં કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, એક સમયે ગોવા દેશનું પહેલું કોરોના મુક્ત રાજ્ય હતું, પરંતુ ત્યારબાદ અહીં કોરોનાના કેસો સતત વધવા લાગ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલ કોરોના અપડેટ્‌સમાં રાજ્યમાં કુલ ૧૩૧૫ કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં ૭૧૬ જેટલા એક્ટીવ કેસ છે.
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યા અનુસાર, ગોવામાં કુલ ૧૩૧૫ કેસ છે, જેમાંથી ૫૯૬ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે, જયારે ૭૧૬ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે.