(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.રપ
કોડીનાર તાલુકાના માઢવાડ બંદરની લાઈટ હાઉસથી સંતેશ્વર મંદિર સુધીની સરકારી ગૌચર જમીનમાં જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને તેના માણસો દ્વારા સી.આર.ઝેડ.ના કાયદાનું ઉલ્લંઘન કરી ગેર-કાયદે જમીન દબાણ કરી બાંધકામ કરવાના મુદ્દે તંત્રમાં વારંવાર લેખિત- મૌખિક રજૂઆતો કરવા છતાં જમીન દબાણ અંગે સરકારી તંત્રએ મૌન ધારણ કરતા અને દબાણકારોએ હજુપણ બેફામ દબાણ કરવાનું ચાલુ રાખતા છેવટે માઢવાડ બંદરના રાજપુત ખારવા સમાજ અને રાજપુત કોળી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માઢવાડના દરિયાકાંઠા ઉપર થયેલું દબાણ દૂર કરવા અને દબાણકારો સામે પગલાં લેવા અન્યથા દસ દિવસ પછી જિલ્લા કલેક્ટર કચેરીને ઘેરાવ સહિતના પગલાં ભરવા જણાવ્યું છે. દબાણકારોએ વેલણ ગામના સોડવ માતાના મંદિર નજીક આવેલ રક્ષિત જંગલ પણ કાપી નાખી આ રક્ષિત જંગલ વચ્ચેથી રસ્તો પણ બનાવી નાખ્યો છે. ત્યારે સામાન્ય માણસ રક્ષિત જંગલ વિસ્તારમાંથી બાવળનું ઠુઠું પણ કાપે તો તેના ઉપર આકરા પગલા ભરે છે. ત્યારે માજી સાંસદ અને તેના માણસો દ્વારા સોડવ માતાજીના મંદિરથી સંતેશ્વર મહાદેવના મંદિર તરફના રક્ષિત જંગલનો પણ સોથ વાળી ત્યાં રસ્તો બનાવેલ છે. આ બાબતે પણ આર.ટી.આઈ. કાર્યકર્તા મહેશભાઈ મકવાણાએ ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરી જવાબદાર સામે કડક પગલાં ભરવા માગણી કરી છે.